એપશહેર

કોરોનાનો કહેર: અમદાવાદમાં એક સપ્તાહમાં આ દવાના ઉપયોગમાં 50 ટકાનો ઉછાળો

દિવાળીના તહેવારો બાદ હવે અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે

I am Gujarat 22 Nov 2020, 8:40 pm
કુલદીપ તિવારી, અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિ વકરી રહી છે અને દૈનિક 300થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાના કારણે એન્ટિવાયરલ દવાઓનો ઉપયોગ પણ વધી ગયો છે. તેમાં કોરોનાની સારવારમાં રેમડેસિવિર સૌથી મહત્વની છે અને છેલ્લા એક સપ્તાહમાં તેના ઉપયોગમાં 50 ટકાનો વધારો થયો છે. જેના કારણે આગામી દિવસોમાં આ દવાના અછત સર્જાય તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
I am Gujarat coronavirus use of remdesivir rises by 50 percent in ahmedabad in a week
કોરોનાનો કહેર: અમદાવાદમાં એક સપ્તાહમાં આ દવાના ઉપયોગમાં 50 ટકાનો ઉછાળો


રેમડેસિવિરના ઉપયોગમાં મોટો ઉછાળો

ડોક્ટર્સે જણાવ્યું છે કે મોટા ભાગના દર્દીઓ 50 વર્ષની વયથી ઉપરના છે અને તેઓ ગંભીર ચેપથી પીડાઈ રહ્યા છે અથવા તો તેમને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. એએચએનએના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ અમારા સહયોગી અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં 50 વર્ષથી વધુની વય ધરાવતા દર્દીઓની સંખ્યા 90 ટકા જેટલી રહી હતી. તેમાંથી મોટા ભાગના લોકોમાં કોરોનાના ચેપની અસર ગંભીર હતી. તેથી આ સમયગાળા દરમિયાન હોસ્પિટલોએ રેમડેસિવિરનો ઉપયોગ બે ગણો થઈ ગયો હતો.

શહેરના ડોક્ટર્સ રેમડેસિવિરના ઉપયોગનું કરી રહ્યા છે સમર્થન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હોસ્પિટલમાં ભરતી કોવિડ-19ના દર્દીઓ પર રેમડેસિવિરનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી પરંતુ શહેરના ડોક્ટર્સ આ ડ્રગના ઉપયોગનું સમર્થન કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ભલામણ કરી છે કે હાલમાં એવા કોઈ પૂરાવા નથી કે રેમડેસિવિર કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ પર અસરકારક રહી છે. જોકે, ડોક્ટર્સનું કહેવું છે કે, તેમને દર્દીઓ પર રેમડેસિવિરનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેમને ઘણા સારા પરિણામ જોવા મળ્યા છે. એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહર્ષી દેસાઈએ જણાવ્યું હતું કે, હાલમાં અમારા કોરોનાના દર્દીઓમાં 80 ટકા દર્દીઓ 50 વર્ષથી વધુ વયના છે. જેમાં ઘણા લોકોને અગાઉથી કેટલાક રોગો છે.

રેમડેસિવિરથી ઘણા લોકોના જીવ બચ્યા છે

એએચએનએ સેક્રેટરી ડોક્ટર વિરેન શાહે જણાવ્યું હતું કે, અમે સારવાર માટે રેમડેસિવિરનો ઉપયોગ કરી રહ્યા છીએ. કોરોનાની સારવારમાં રેમડેસિવિર સારા પરિણામો આપી રહ્યું છે અને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. તેનાથી ટોસિલિઝુમાબના ઉપયોગમાં પણ ઘટાડો થયો છે. આ દવાની તંગીની શક્યતાને લઈને ડોક્ટર શાહે જણાવ્યું હતું કે, જો કોરોનાના કેસ આ જ ગતિથી વધતા રહ્યા તો આ દવાની તંગી સર્જાવાની શક્યતા પૂરેપૂરી છે. થોડા મહિના પહેલા આપણે આ જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો જ્યારે શહેરમાં કોરોના તેની ટોચ પર હતો.

આગામી દિવસોમાં આ દવાની તંગી સર્જાય તેવી શક્યતા

કેમિસ્ટ્સે પણ રેમડેસિવિરની તંગી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની ગંભીર સ્થિતિ ધરાવતા અને અગાઉથી બીમારી ધરાવતા કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાના કારણે હોસ્પિટલોએ રેમડેસિવિરના ઓર્ડર વધારી દીધા છે. જો આ રીતે કેસ વધતા રહ્યા તો આગામી દિવસોમાં રેમડેસિવિરની તંગી સર્જાઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો