એપશહેર

અમદાવાદમાં ઓવૈસીએ કર્યું શક્તિ પ્રદર્શન, સભામાં ઉમટી ભારે ભીડ

અમદાવાદમાં રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીની સભા યોજાઈ હતી. એ પહેલા સીટીએમથી રિવરફ્રન્ટ સુધી રેલી પણ યોજોઈ હતી.

I am Gujarat 7 Feb 2021, 8:30 pm
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનું બ્યૂગલ ફુંકાઈ ગયું છે. આ ચૂંટણીઓમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ ઝંપલાવ્યું છે. ઓવૈસીની પાર્ટી છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે મળીને આ ચૂંટણી લડી રહી છે. ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઓવૈસીની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભારે ભીડ ઉમટી હતી. એક તબક્કે બાઉન્સરો અને પોલીસ સાથે લોકોનું ઘર્ષણ પણ થયું હતું. આ સભામાં સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ થયું હતું.
I am Gujarat Owaisi Rally in Ahmedabad


સાબરમતી રિવરફ્રન્ટ પરના ઈવેન્ટ સેન્ટર ખાતે ઓવૈસીની સભાનું આયોજન કરાયું હતું. રવિવારે સાંજે 5.30 કલાકે આયોજિત થયેલી આ સભામાં હજારો લોકો ઉમટ્યા હતા. ઈવેન્ટ સેન્ટરના એક ગેટ પરથી બધા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. દરમિયાનમાં લોકોની ભીડ વધવા લાગી હતી. સભા સ્થળમાં પ્રવેશવા માટે બાઉન્સરો અને પોલીસ સાથે લોકોને બોલાચાલી પણ થઈ હતી. આખરે પોલીસે ગેટ ખોલીને બધાને પ્રવેશ આપવો પડ્યો હતો.

આ સભામાં સ્ટેજ પર બેઠેલા લોકો અને સભામાં હાજર ભીડમાંથી ઘણા બધા લોકોએ માસ્ક જ નહોંતું પહેર્યું. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સના નિયમ પણ પાળવામાં આવ્યો ન હતો. આ સભામાં બીટીપીના મહેશ વસાવાએ હાજરી આપી હતી. વસાવાએ કહ્યું કે, ભરૂચની સભામાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા લોકોથી જનતા પરેશાન થઈ ગઈ છે. મોંઘવારી વધી ગઈ છે. હવે બીટીપી અને AIMIM નગરપાલિકા, મહાનગરપાલિકા અને કેન્દ્ર દરેક જગ્યાએ જોવા મળશે.

ઔવેસીની સભા શરૂ થાય તે પહેલા રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં પ્રવેશી ચૂકેલા લોકોએ ગ્રાઉન્ડમા નમાઝ પણ અદા કરી હતી. આ પહેલા રેલીનું પણ આયોજન કરાયું હતું. જેના પગલે સીટીએમથી દાણીલીમડા, જમાલપુરના રિવરફ્રન્ટ સુધીના તમામ રસ્તાને પોલીસે બ્લોક કરી દીધા હતા. રેલી દરમિયાન 100થી વધુ બાઈકો નેશનલ હાઈવે પર ઘૂસી ગયા હતા. એટલું જ નહીં, રેલી દરમિયાન એટલા બધા લોકો એકઠા થઈ ગયા હતા કે, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા એક તરફનો માર્ગ બંધ કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIMએ 6માંથી 4 વોર્ડ- જમાલપુર, ગોમતીપુર, બહેરામપુરા અને મકતમપુરા વોર્ડમાં પેનલ ઊભી રાખી છે. જ્યારે દરિયાપુરમાં બે અને ખાડિયામાં ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા છે. જમાલપુર બેઠક પરથી પૂર્વ કોર્પોરેટરો મોહમ્મદ રફીક શેખ અને મુસ્તાક ખાદીવાલાને ટિકિટ આપી છે, જ્યારે ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર આફરીન બાનુ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. ગોમતીપુર વોર્ડમાંથી સૂફિયાન રાજપૂત અને ખાડીયાથી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણને ટિકિટ અપાી છે. જમાલપુર વોર્ડમાંથી બીનબહેન પરમાર અને બહેરામપુરા વોર્ડમાંથી પારુલ મકવાણાને ટિકિટ આપી છે.

જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદ અને રાજકોટમાં AAPની રેલી યોજાઈ હતી. જેમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ સીસોદીયાએ રોડ શો યોજ્યો હતો. જેમાં પણ લોકોની ભારે ભીડ ઉમટી હતી. હવે, ઓવૈસીની રેલીમાં પણ ભારે ભીડ ઉમટી હતી. રાજ્યમાં જે રીતે આપ અને ઓવૈસીની સભાઓમાં ભીડ ઉમટી રહ્યા છે, તે જોતાં આ વખતે સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસને મજબૂત ટક્કર મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે, આ સભામાં આવેલા લોકોમાંથી કેટલા મતમાં પરિવર્તિત થાય છે તે તો આવનારો સમય જ કહેશે.

Read Next Story