એપશહેર

કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં સુરતમાં 166 અને અમદાવાદમાં 148 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે

I am Gujarat 15 Aug 2020, 7:36 pm
સુરતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી હોય તેવુ લાગી રહ્યું છે. એક સમયે સુરતમાં દરરોજ 200થી વધુ કેસ નોંધાતા હતા જેમાં છેલ્લા ઘણા દિવસોથી તેમાં ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 166 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 148 નવા કેસ સામે આવ્યા છે. જોકે, બંને શહેરોમાં કોરોનાના કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. સુરત જિલ્લામાં પણ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
I am Gujarat covid 19 in gujarat 166 new coronavirus cases register in surat and 148 in ahmedabad
કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં સુરતમાં 166 અને અમદાવાદમાં 148 નવા કેસ નોંધાયા


અમદાવાદમાં 168 દર્દીઓ સાજા થયા

અમદાવાદમાં કેસની સંખ્યામાં કોઈ વધારો જોવા મળી રહ્યો નથી. જ્યારે તેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 148 નવા કેસ આવ્યા છે જેની સામે 168 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં પણ 14 નવા કેસની સામે 20 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે અને ત્રણ મૃત્યુ નોંધાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

સુરતમાં કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે

સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે રહી છે. સુરતમાં 166 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 321 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 68 નવા કેસ નોંધાયા છે અને 46 દર્દીઓ સાજા થયા છે. સુરતમાં જોકે, મૃત્યુઆંકમાં થોડો વધારો થયો છે. સુરત શહેરમાં ચાર લોકોના મૃત્યુ થયા છે જ્યારે સુરત જિલ્લામાં પાંચ લોકો કોવિડ-19નો ભોગ બન્યા છે.

વડોદરા, રાજકોટ અને જામનગરમાં કેસ વધ્યા

વડોદરામાં કેસની સંખ્યા વધી છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 96 કેસ નોંધાયા છે અને 74 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 11 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં બે લોકો કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં 64 નવા કેસ આવ્યા છે અને 37 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજકોટ જિલ્લામાં 31 કેસ નોંધાયા છે અને 14 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં પણ કેસની સંખ્યા 50ને પાર પહોંચી છે. જામનગર શહેરમાં 52 કેસ નોંધાયા છે અને 28 દર્દીઓ સાજા થયા છે.

અમદાવાદના સમર્પણ ફ્લેટ્સમાં કોરોનાની એન્ટ્રી

પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વઘારો જોવા મળી રહ્યો છે. ગુલબાઈ ટેકરામાં આવેલા હાઈ પ્રોફાઈલ સમર્પણ ફ્લેટ્સમાં એક ટોચના સરકારી બાબુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફ્લેટમાં રહેતા ગુજરાતના સીનિયર બ્યૂરોક્રેટ્સ અને તેમના પરિવારોએ શુક્રવારે વહેલી સવારે રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે કતાર લગાવી દીધી હતી. સીનિયર અધિકારીઓ મોર્નિંગ વોક પર જતા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC)ના ડૉક્ટર્સ અને પેરામેડિક્સની એક ટીમ દરેક વ્યક્તિનો ટેસ્ટ કરવા માટે સમર્પણ ફ્લેટ્સ પહોંચી હતી. પશ્ચિમ ઝોનના એએમસી અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સીનિયર ઓફિસરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાા બાદ ઝડપથી ટેસ્ટ્સ હાથ ધરવા પડ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, સાંજ સુધીમાં 63 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. એટલું જ નહીં, પરિવારોમાં રહેતા બાળકો સહિત દરેક સભ્યનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, એસીએસ, મુખ્ય સચિવો, ન્યાયાધીશો સહિત ઘણા સીનિયર લેવલના આઈએએસ અધિકારીઓ અહીં રહે છે.

Read Next Story