એપશહેર

સુરતમાં કોરોનાના 280 અને અમદાવાદમાં 188 નવા કેસ નોંધાયા

રાજકોટ શહેર અને સુરત જિલ્લામાં કેસની સંખ્યા 100થી નીચે નોંધાઈ, વડોદરામાં પણ નજીવો ઘટાડો

I am Gujarat 7 Oct 2020, 7:33 pm
ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત અમદાવાદ અને સુરતમાં દૈનિક કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. જોકે, આ બંને શહેરોમાં કોરોનાથી સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ અને સુરત જિલ્લામાં પણ થોડી રાહત જોવા મળી છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 280 અને અમદાવાદમાં 188 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં અને સુરત જિલ્લામાં કેસની સંખ્યા 100થી નીચે નોંધાઈ છે.
I am Gujarat covid 19 in gujarat 280 new coronavirus cases register in surat and 188 in ahmedabad
સુરતમાં કોરોનાના 280 અને અમદાવાદમાં 188 નવા કેસ નોંધાયા


અમદાવાદ શહેરમાં 173 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી અને કેસની સંખ્યા 170થી ઉપર નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 173 નવા કેસ નોંધાયા છે અને 249 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ઘણા દિવસો બાદ કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સુરત શહેરમાં કેસમાં ઘટાડો નહીં જિલ્લામાં નજીવો ઘટાડો

સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો નથી જ્યારે જિલ્લામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. સુરત જિલ્લામાં ઘણા દિવસ બાદ દૈનિક કેસની સંખ્યા 100થી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોનાના 181 કેસ નોંધાયા છે અને 245 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સુરત જિલ્લામાં 99 કેસ નોંધાયા છે અને 47 દર્દીઓ સાજા થયા છે. સુરત શહેરમાં કોરોનાથી બે અને જિલ્લામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

રાજકોટમાં કેસની સંખ્યા 100થી નીચે નોંધાઈ

સૌરાષ્ટ્રમાં જામનગર બાદ રાજકોટમાં પણ કેસની સંખ્યા 100થી નીચે નોંધાઈ છે. રાજકોટ શહેરમાં કોરોનાના 86 નવા કેસ નોંધાયા છે અને તેની સામે 120 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 48 કેસ નોંધાયા છે અને 62 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. જામનગરમાં 65 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે જામનગર જિલ્લામાં 28 કેસ નોંધાયા છે અને 32 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ કે જામનગરમાં કોવિડ-19ના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.

વડોદરા શહેરમાં કેસમાં નજીવો ઘટાડો નોંધાયો

વડોદરા શહેરમાં કેસની સંખ્યા સતત 90થી ઉપર રહેતી હતી જેમાં હવે નજીવો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં કોવિડ-19ના 80 નવા કેસ નોંધાયા છે જ્યારે 73 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 43 કેસ નોંધાયા છે અને એટલા જ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા શહેરમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો