એપશહેર

અમદાવાદમાં કર્ફ્યૂ લંબાવાશે કે નહીં તે અંગે નીતિન પટેલે કરી મહત્વની સ્પષ્ટતા

I am Gujarat 22 Nov 2020, 2:52 pm
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ગઈકાલે શનિવારે 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1515 નવા કેસ સમગ્ર રાજ્યમાં સામે આવ્યા હતા. તેમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરામાં સ્થિતિ વધુ ગંભીર છે. એવામાં અમદાવાદ શહેરમાં 60 કલાક માટે કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ સુરત, રાજકોટ તથા વડોદરામાં પણ રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. સ્થિતિને જોતા એવી પણ અટકળો લગાવાઈ રહી હતી કે આ શહેરોમાં કર્ફ્યુ લંબાવી શકાય છે. જોકે આ વચ્ચે રાજ્યના નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
I am Gujarat abad


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં કર્ફ્યૂને વધારવામાં આવશે નહીં. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ફક્ત રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.' નાયબ મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે સરકાર અમદાવાદ શહેરમાં હાલમાં લાગુ કરાયેલા 60 કલાકના કર્ફ્યૂને લંબાવવાના મૂડમાં નથી. આ સાથે જ રાજ્યના ચારેય મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના નિયંત્રણની કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યોની સાંજે 4 વાગ્યે CM વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં બેઠક યોજાશે. આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનિટરીંગ તેમજ સારવાર, ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા CM ડેશ બોર્ડની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી 60 કલાક માટે લોકડાઉન જાહેર કરાયું હતું, જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. બીજી તરફ અન્ય ત્રણેય શહેરોમાં પણ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયું છે. દિવાળીના તહેવારમાં લોકોની બેદરકારીના કારણે રાજ્ય કોરોનાના અજગર ભરડામાં સપડાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો