એપશહેર

ધોળકાના મામલતદાર જમીનના કેસમાં 25 લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ખેડૂત તરીકે નામ ચઢાવવા માટે મામલતદારે અરજદાર પાસેથી 75 લાખ રુપિયા માગ્યા હતા, અને રકઝક બાદ 25 લાખમાં કામ કરવાનું નક્કી કર્યું હતું.

I am Gujarat 20 Jan 2021, 11:55 am
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલદાર હાર્દિક ડામોરને મંગળવારે રાત્રે એન્ટી કરપ્શન બ્યૂરોએ 25 લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમની ઓફિસમાંથી 20 લાખ કેશ કબજે કરાયા છે, અને આ કામમાં જે વ્યક્તિ વચેટિયા તરીકે કામ કરી રહ્યો હતો તેની પાસેથી પણ 5 લાખ કબજે કરાયા છે. હાર્દિક ડામોરે એક વ્યક્તિનું નામ ખેડૂત તરીકે રેકોર્ડ પર લેવા માટે આ મસમોટી રકમ લાંચ તરીકે માગી હતી.
I am Gujarat dholka mamlatdar hardik damor caught red handed while taking bribe of rupees 25 lakh
ધોળકાના મામલતદાર જમીનના કેસમાં 25 લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા


સૂત્રોના હવાલેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આ કેસમાં ફરિયાદીની જમીન ધોલેરા હાઈવે પાસે રુપગઢમાં આવેલી છે. આ જમીન સંપાદનમાં જવાની હતી, પરંતુ તેમાં ફરિયાદીનું નામ ખેડૂત તરીકે રેકોર્ડ પર નહોતું. તેમના દાદા અને પિતા સરકારી રેકોર્ડ પર ખેડૂત હતા, પરંતુ ફરિયાદીનું નામ ના હોવાથી તેમણે આ અંગે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કામમાં રાજકીય પહોંચ ધરાવતો એક વ્યક્તિ વચેટિયા તરીકે રહ્યો હતો. મામલતદાર હાર્દિક ડામોરે અરજકર્તાનું નામ સરકારી રેકોર્ડ પર ખેડૂત તરીકે ચઢાવવા માટે શરુઆતમાં 75 લાખ રુપિયાની લાંચ માગી હતી. જોકે, રકઝક બાદ આખરે 25 લાખ રુપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. લાંચ કઈ રીતે આપવી તે પણ મામલતદારે જણાવ્યું હતું, જે અનુસાર 20 લાખ રુપિયા તેમની ઓફિસે પહોંચાડાયા હતા, અને પાંચ લાખ રુપિયા વચેટિયાને અપાયા હતા.

આ મામલે ફરિયાદીએ લાંચની રકમ મામલતદાર ઓફિસે પહોંચાડી તેની એસીબીને અગાઉથી જ જાણ કરી દેવાઈ હતી. એસીબીના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને જોતા ટ્રેપમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કર્યું હતું, અને જેવા કેશ મામલતદાર ઓફિસે પહોંચ્યા કે એસીબીની ટીમ ત્યાં ત્રાટકી હતી અને કેશ સાથે ધોળકા મામલતદાર હાર્દિક ડામોરને રંગેહાથ ઝડપી લીધા હતા.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, મામલતદાર હાર્દિક ડામોરના પરિવારજનો પણ ઉચ્ચ સરકારી પદો પર છે. તેમના પિતા પૂર્વ એસપી રહી ચૂક્યા છે, અને તેમનો ભાઈ આઈપીએસ તરીકે તમિલનાડુમાં ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, હજુ ગયા મહિને જ એસીબીએ અમદાવાદ રેન્જ આઈજીના આરઆર સેલના એએસઆઈને 50 લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

Read Next Story