એપશહેર

અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પાનના ગલ્લાઓ બંધ રાખવા આદેશ

કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા ભીડ એકઠી ન થાય તે માટે કલેક્ટરે ગાંધીનગર જિલ્લામાં પાનના ગલ્લાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો

I am Gujarat 12 Apr 2021, 8:02 pm
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે તેવામાં તેના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં તંત્ર દ્વારા પાનના ગલ્લાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે ગાંધીનગરમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા 13 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ગાંધીનગર જિલ્લાના તમામ પાનના ગલ્લાઓ તથા પાન-પાર્લરો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
I am Gujarat pan parlor


ગાંધીનગરના જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યએ જાહેરનામામાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત તથા દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં કોરોનાને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિધ ગાઈડલાઈન્સ અને સૂચનાઓ આપવામાં આવે છે. હાલમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી જાહેર હિતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા અત્યંત જરૂરી છે.

પાન-મસાલા, તમાકુ વગેરેના સેવન તથા પાનના ગલ્લાઓ પર થતી ભીડના કારણે કોરોનાનું સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. જેના કારણે જાહેર આરોગ્ય અને લોકહિત માટે આગામી 13 એપ્રિલથી 30 એપ્રિલ 2021 સુધી ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ પાનના ગલ્લાઓ અને પાન પાર્લરો સંપૂર્ણ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ આ આદેશનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Read Next Story