એપશહેર

એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિઃ ચૂંટણી નજીક આવીને ઉભી છે ત્યારે આંદોલન બેકાબૂ!

એક તરફ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election)ની તૈયારીઓ ચાલી રહી છે, કેન્દ્રથી નેતાઓ આવીને વિવિધ બાંહેધરી આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આંદોલન (Gujarat Agitations)ના પડકારો પણ ઉભા થઈ રહ્યા છે. વિવિધ વિભાગો દ્વારા શહેરો તથા ગામડેથી ગાંધીનગર આવીને પોતાની માંગ પૂરી કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. આવામાં આંદોલનો વધારે તેજ થવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, કારણ કે સરકારના પાછલા બારણેથી સમજાવત-પતાવટના પ્રયાસો થઈ રહ્યા છે તેમાં નિષ્ફળતા મળી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Edited byTejas Jingar | I am Gujarat 20 Sep 2022, 12:49 pm

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં ચૂંટણી ટાણે આંદોલનો સરકાર માટે બની રહ્યા છે પડકારજનક
  • આંદોલનોના લીધે એક સાંધોને તેર તૂટે તેવો ઘાટ ગુજરાતમાં સર્જાયો છે
  • મંત્રીઓના પાછલા બારણે આંદોલનકારીઓને સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Gujarat Agitations
ગુજરાતમાં ચૂંટણી ટાણે સરકાર માટે આંદોલન બની રહ્યા છે પડકાર
એક તરફ ચૂંટણી નજીક આવીને ઉભી છે ત્યારે આંદોલનો સરકારનું ટેન્શન વધારી રહ્યા છે. એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે, કારણ કે જૂના આંદોલનો યથાવત છે અને નવા-નવા સંગઠનો તેમાં જોડાઈ રહ્યા છે અને મજબૂત રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને સરકાર પર દબાણ વધારી રહ્યા છે તો ગામે-ગામથી ગાંધીનગર પહોંચેલા લોકો પણ આંદલનમાં જોડાઈ જતા પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. વિલેજ કમ્પ્યુટર ઓપરેટરો પણ આંદોલનમાં જોડાયા છે જેના કારણે સ્થિતિ વધારે કપરી બની રહી છે. આ તરફ સરકારે રવિવારની અને સાંજની ઓપીડીનો સમય વધાર્યો હોવાથી પણ કર્મચારીઓ વિરોધના મૂડમાં આવી ગયા છે.
જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે આંદોલન
નવગુજરાત સમયના રિપોર્ટ્સ મુજબ સવાર પડતા જ આંદોલન કરવા માટે ગાંધીનગર આવેલા લોકોનો જમાવડો વધતો જાય છે અને સ્થિતિ બેકાબૂ બનતી દેખાઈ રહી છે, સત્યાગ્રહ છાવણી, સચિવાલય, મંત્રીઓના નિવાસસ્થાન અને કેટલીક સરકારી ઓફિસો પોલીસ છાવણીમાં ફેરવાઈ જતી હોય છે. પ્રશ્નો ઉકેલવાની માગણીઓ સાથે આંદોલનકારીઓના આક્રોશ વધી રહ્યો છે.

સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે તો વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો-વીસીઈ અને વનરક્ષકો મોટી સંખ્યામાં દેખાવો કરવા માટે ઉમટી રહ્યા છે. વર્ગ-4ના કર્મચારીઓની કાયમી ભરતી કરવાની માગણીઓ પણ ઉઠી રહી છે. આ સિવાય તબીબો તતા તબિબી સ્ટાફ માટે ઓપીડીનો સમયગાળો વધારવામાં આવ્યો છે, તેની સામે મોરચો ખુલી રહ્યો છે. ગાંધીનગર પહોંચેલા કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે.

આંદોલન આક્રામક મૂડમાં
વિવિધ રીતે આંદોનકારીઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે અને બેનરો તથા પોસ્ટર્સ લઈને પોતાની માગણીઓ કરી રહ્યા છે. આ આંદોલનમાં મધ્યાહન ભોન યોજનાના સંચાલકોનું જૂથ, આંગણવાડીના કાર્યકરો, 2018 એલઆરડી ભરતી, પૂર્વ સૈનિકો, પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ વગેરેનું આંદોલન પણ ચાલી રહ્યું છે. એસટીના કર્મચારીઓ પણ આંદલનના મૂડમાં આવ્યા છે, બીજી તરફ એસટીના કર્મચારીઓ પણ પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગુરુવાર મધ્યરાત્રીથી માસ સીઅલ પર ઉતરી જવાની અને બસ સેવા ઠપ કરી નાખવાની ચિમકી ઉચ્ચારી છે.

વિવિધ કર્મચારી મંડળો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાછલા બારણે સરકાર દ્વારા તેમના સાથે વાતચીત કરીને સમાધાનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંત્રીઓ પર વિવિધ સંગઠનોના અગ્રણીઓને સમજાવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ સમજ જતા આંદોલન ઉગ્ર બની રહ્યા છે.

Read Latest Gujarati News And National News

Read Next Story