એપશહેર

અમદાવાદના સોની બજારની ધૂળ પણ છે કિંમતી, દર મહિને લાખો રુપિયાનો બિઝનેસ!

વહેલી સવારમાં જ 200 જેટલી મહિલાઓ સાફ કરી નાખે છે રતનપોળ અને માણેકચોકની શેરીઓ, આ ધૂળમાંથી જ મળે છે ગોલ્ડ

Authored bySoumitra Trivedi | Edited byનવરંગ સેન | TNN 2 Nov 2021, 8:33 pm

હાઈલાઈટ્સ:

  • સોના-ચાંદીની દુકાનો પાસેથી ધૂળ સાફ કરતી મહિલાઓને મળે છે 15,000 રુપિયા પગાર
  • આ ધૂળને 'ધૂળધોયા' લઈ જાય છે, અને તેના પર લાંબી પ્રોસેસ કરી સોનાને છૂટું પાડે છે
  • 2-3 કિલો ધૂળમાંથી 10-15 ગ્રામ જેટલું સોનું મળી જાય છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat manekchowk
ફાઈલ તસવીર
અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત તેમજ મોટા ગણાતા ઝવેરી બજારમાં વહેલી સવારે બ્રશ અને સૂપડીથી ધૂળ ભેગી કરતી મહિલાઓને જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય. 200 જેટલી મહિલાઓ દ્વારા ભેગી કરાતી ધૂળ ભલે ચમકતી ના હોય, પરંતુ તેમાં સોનું ભળેલું હોવાની પૂરી શક્યતા રહેલી છે.
કોટ વિસ્તારમાં આવેલા રતનપોળ અને માણેકચોકની ગલીઓમાં 5,000 જેટલી સોના-ચાંદીની દુકાનોમાં ઘરેણાં બનાવવાનું, વેચવાનું તેમજ ડિઝાઈન કરવાનું કામ થાય છે. અહીં સવારે કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ પહોંચે તે પહેલા જ સાંકડી ગલીઓને 200 જેટલી મહિલાઓનું એક જૂથ સાફ કરી નાખે છે. તેઓ આ ધૂળને એક નક્કી કરેલી જગ્યાએ એકત્ર કરે છે. આ ધૂળને 'ધૂળધોયા'ને વેચવામાં આવે છે. બદલામાં મહિલાઓને મહિને 15,000 રુપિયા જેટલો પગાર આપવામાં આવે છે. આ ધૂળ પર કેમિકલ પ્રોસેસ કરીને તેમાંથી સોનું છૂટું પાડવામાં આવે છે.

કઈ રીતે ધૂળમાંથી છૂટું પડાય છે સોનું

રતનપોળ તેમજ માણેકચોકની શેરીઓમાં આવેલી દુકાનો પાસેથી મહિલાઓ ધૂળ ભેગી કરે છે. આ ધૂળને 'ધૂળધોયા'ને વેચવામાં આવે છે. જેને પારા સાથે મિક્સ કરવામાં આવે છે. તેનાથી ધૂળમાં સોના સિવાયની બીજી ધાતુ અલગ પડી જાય છે. ત્યારબાદ આ ધૂળને નાઈટ્રિક એસિડથી ધોવામાં આવે છે, જે ગોલ્ડ અને સિલ્વર સિવાયની અન્ય ધાતુને ઓગાળીને દૂર કરી દે છે.

બીજા તબક્કામાં ફાઈન ગોલ્ડ ડસ્ટને ભઠ્ઠીમાં 10 કલાક સુધી ગરમ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં તાપમાન 1 હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે. ભઠ્ઠીમાં તપેલી ધૂળને ઠંડી કર્યા બાદ તેમાંથી ગોલ્ડ મળે છે. સામાન્ય રીતે 2-3 કિલો ધૂળમાંથી 10-15 ગ્રામ જેટલું સોનું મળી જાય છે.


માણેકચોકના શ્રી ચોકસી મહાજનના પ્રમુખ ચીનુભાઈ ચોકસી જણાવે છે કે, 'દાગીના બનાવવાનું કામ કરતા સોની કોઈને પોતાની દુકાનનું આંગણું વાળવાની પરવાનગી નથી આપતા. તેઓ રોજની ધૂળને ભેગી કરીને ધૂળધોયાને વેચે છે. તેના વજન અનુસાર દસ હજાર રુપિયાથી લઈને લાખો રુપિયામાં તેનો ભાવ મળે છે.'

માણેકચોકમાં ગોલ્ડ કટિંગ યુનિટ ધરાવતા સંકેત શુક્લાનું માનીએ તો, જ્યારે ગોલ્ડના ટૂકડાં કરવામાં આવે ત્યારે તેની ઝીણી ખૂબ જ રજ ઉડતી હોય છે. આ રજ હવામાં ભળી જાય છે, અને ઘણીવાર કારીગરના કપડાં પર ચોંટી જતી હોય છે. ઘણીવાર તે હવામાં ઉડીને દુકાનની બહાર પણ જતી રહે છે, અને ધૂળમાં ભળી જાય છે. આ ધૂળને અહીંની મહિલાઓ ભેગી કરી ધૂળધોયાને વેચે છે.

ગુજરાત જ્વેલર્સ અસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી આશીષ ઝવેરીના જણાવ્યા અનુસાર, કેટલાક સોની દુકાનની ધૂળને વર્ષો સુધી ભેગી કરે છે અને તેને સીધી હોલસેલ ખરીદદારને વેચે છે. અમદાવાદના કોટ વિસ્તારમાં જોવા મળતી આ એક જૂની પરંપરા છે. હોલસેલ ખરીદદારો સોનીઓ પાસેથી જૂના ઓશિકા, પગલૂછણીયા અને કાર્પેટ પણ ખરીદતા હોય છે અને બદલામાં ઉચક રકમ આપતા હોય છે. આ રકમ હજારો રુપિયામાં પણ હોઈ શકે છે. જોકે, આ પરંપરા હવે ધીરે-ધીરે ખતમ થઈ રહી છે. કારણકે, દાગીના બનાવવામાં હવે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં ઘડામણ કરતી વખતે રજ નથી ઉડતી.

અમદાવાદમાં હવે માંડ 20 ટકા જેટલા યુનિટમાં જ હાથથી ઘડામણ થાય છે. જ્યારે બાકીનું કામ મોલ્ડિંગ મશીનથી થવા લાગ્યું છે. જેનાથી ઘડામણ કરતી વખતે ગોલ્ડનો લોસ ખૂબ જ ઓછો થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો