એપશહેર

કેન્દ્રએ જળ જીવન મિશન અંતર્ગત ગુજરાતને નાણાંકીય વર્ષ 2020-21માં 883.08 કરોડ રૂપિયા ફાળવ્યા

સાંસદ પરિમણ નથવાણીએ રાજ્ય સભામાં જળ જીવન મિશન અંતર્ગત પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રી રનતલાલ કટારીયાએ ગુજરાતને ફાળવાયેલા ફંડની માહિતી આપી.

I am Gujarat 9 Feb 2021, 7:09 pm
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જળ જીવન મિશન અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21માં રૂ. 883.08 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે નાણાંકીય વર્ષ 2019-20 કરતાં બે ગણા વધુ રૂપિયા હોવાનું કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રી રનતલાલ કટારીયાએ આજે રાજ્ય સભામાં જણાવ્યું હતું. સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
I am Gujarat Jal Jeevan Mission


કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2019-20માં કેન્દ્ર સરકારે ગુજરાતને જળ જીવન મિશન અંતર્ગત રૂ. 390.31 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેની સરખામણીએ નાણાંકીય વર્ષ 2020-21માં લગભગ બે ગણા વધારે 883.08 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, જળ જીવન મિશનની જાહેરાત ઓગષ્ટ 15, 2019ના રોજ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 3.36 કરોડ ગ્રામીણ ઘરોને નળ દ્વારા પાણીના જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ગુજરાતમાં 11.12 લાખ ઘરોને નળ દ્વારા પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 209-20માં ફાળવવામાં આવેલા 390.31 કરોડ રૂપિયા રાજ્યને ચૂકવી દેવામાં આવ્યા હતા. જ્યારે નાણાંકીય વર્ષ 2020-21માં ફાળવવામાં આવેલા 883.08 કરોડમાંથી 662.76 કરોડ રૂપિયાની ચૂકવણી 4 ફેબ્રુઆરી, 2021 સુધીમાં કરી દેવામાં આવી છે.

સાંસદ નથવાણીએ પૂછ્યું હતું કે, જળ જીવન મિશન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કેટલા ઘરોને નળ દ્વારા પાણીનું જોડાણ ઉપલબ્ધ કરાવાયું છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલા ઘરોને પાણીનું જોડાણ અપવામાં આવ્યું છે? તેના જવાબમાં કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રીએ ઉપરોક્ત માહિતી આપી હતી. મંત્રી કટારીયાના જણાવ્યા મુજબ, જળ જીવન મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમમાંથી ગુજરાત દ્વારા નાણાંકીય વર્ષ 2019-20માં 384.61 કરોડ રૂપિયા અને નાણાંકીય વર્ષ 2020-21માં 4 ફેબ્રુઆરી, 2021ની સ્થિતિએ 387.66 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read Next Story