એપશહેર

GCCI ચૂંટણી: હોદ્દેદારો બિનહરીફ, બે કેટેગરીમાં ચૂંટણીની શક્યતા

I am Gujarat 28 May 2016, 11:07 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat gcci 2
GCCI ચૂંટણી: હોદ્દેદારો બિનહરીફ, બે કેટેગરીમાં ચૂંટણીની શક્યતા


– ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લાં દિવસે હોદ્દેદારો બિનહરીફ રહ્યા છે. જોકે, પેટ્રન-લાઇફ અને સામાન્ય સભ્યની કેટેગરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાથી આ બંને કેટેગરીમાં ચૂંટણી થવાની શક્યતા જણાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોઇ પેનલની રચના થઇ નથી અને તેથી ચૂંટણી ટાળવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. તમામ બેઠકો માટે ચૂંટણી લડવાની જાહેરાત કરનારી રાઇઝિંગ પેનલને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી શક્યા નથી તેથી પ્રસ્તાવિત પેનલની રચના જ થઇ નથી. ૧૮ જૂને યોજાનારી ચેમ્બરની ચૂંટણી માટે શનિવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. હોદ્દેદારો અને કારોબારી સમિતિની કુલ ૨૬ બેઠકો માટે ૯૪ ફોર્મ ઇસ્યૂ થયા હતા અને છેલ્લાં દિવસ સુધીમાં ૫૮ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ૧ જૂન ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને ચૂંટણીનું ખરું ચિત્ર તે દિવસે જ સ્પષ્ટ થશે. ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે સિનિયર ઉપપ્રમુખ પદે શૈલેષ પટવારી અને ઉપપ્રમુખ પદે કે. ટી. પટેલ બિનહરીફ જાહેર થયા છે. ચેમ્બરના બંધારણ મુજબ, હાલના સિનિયર ઉપપ્રમુખ બિપીનભાઇ પટેલ નવા વર્ષમાં ચેમ્બરના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળશે. ગયા વર્ષે ત્રણ બેઠકો પર ચૂંટણી લડેલી રાઇઝિંગ પેનલે આ વખતે તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ આ પેનલ વિખેરાઇ ગઇ છે. રાઇઝિંગ પેનલના ગયા વર્ષના સભ્ય મદનલાલ જયસ્વાલે શાસક પેનલ તરફથી લડવાનો નિર્ણય કર્યો છે જ્યારે સીએ કૈલાશ ગઢવીએ સ્વતંત્ર રીતે પેટ્રન-લાઇફ મેમ્બરની કેટેગરીમાં ઉમેદવારી નોંધાવી છે. ચેમ્બરના એક અગ્રણીએ જણાવ્યું હતું કે પેટ્રન-લાઇફ મેમ્બર કેટેગરીમાં ૩ જગ્યા માટે ૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને સામાન્ય સભ્યની કેટેગરીમાં ૧૨ જગ્યા માટે ૨૨ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે તેથી આ બંને કેટેગરીમાં ચૂંટણી થવાની શક્યતા જણાય છે, પરંતુ ચૂંટણી યોજવાની જરૂર ઊભી ના થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. ૧૦ જૂને યોજાનારી બિઝનેસ વિમેન વિંગની ચૂંટણી પણ રસપ્રદ બની રહેવાની ધારણા છે. બિઝનેસ વિમેન વિંગની વર્કિંગ કમિટીની પાંચ બેઠકો માટે આઠ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે આ વિંગના ચેરપર્સન અને કો-ચેરપર્સનની બે બેઠકો માટે છ ઉમેદવારે ફોર્મ ભર્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો