એપશહેર

ગીથા જોહરી બન્યાં ગુજરાતનાં પહેલાં મહિલા પોલીસ વડા

નવરંગ સેન | I am Gujarat 4 Apr 2017, 1:59 pm

રેસમાં સૌથી આગળ હતાં ગીથા જોહરી

IamGujarat.com: પી.પી. પાંડેએ રાજીનામું આપ્યા બાદ રાજ્યને તેના પહેલા મહિલા પોલીસ વડા મળ્યા છે. ગુજરાત સરકારે આજે ગીથા જોહરીને નવા કાર્યકારી પોલીસ વડા બનાવવાની જાહેરાત કરી હતી. ગીથા જોહરી નવા પોલીસ વડાની રેસમાં સૌથી આગળ હતાં, તેમના નામની સત્તાવાર જાહેરાત થયા બાદ તેઓ સીએમ વિજય રુપાણીને મળવા પહોંચ્યાં હતાં.

ગુજરાતના પહેલા આઈપીએસ છે ગીથા જોહરી

ગીથા જોહરીની ત્રણ મહિના માટે કાર્યકારી પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગીથા જોહરી 1982 બેંચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. રાજ્યના પહેલા મહિલા પોલીસ વડા બનનારા ગીથા જોહરી આઈપીએસ તરીકે ગુજરાતમાં નિમણૂંક મેળવનારા પણ પહેલા મહિલા પોલીસ અધિકારી છે.

સુપ્રીમ કોર્ટ હટાવે તે પહેલા જ પદ પરથી હટી ગયા હતા પાંડે

ઈશરત એન્કાઉન્ટર કેસના આરોપી એવા પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં પાંડેએ કોર્ટ તેમને પદ પરથી હટવાનો આદેશ આપે તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. પાંડે ફેબ્રુઆરીમાં જ વયનિવૃત્ત થઈ ગયા હતા, પરંતુ સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું, જે એપ્રિલમાં પૂરું થઈ રહ્યું હતું. જોકે, એન્કાઉન્ટર કેસના આરોપી એવા પોલીસ અધિકારીને સર્વોચ્ચ પદે ન બેસાડી શકાય તેવી દલીલ સાથે પૂર્વ આઈપીએસ અને મુંબઈના પોલીસ કમિશનર રહી ચૂકેલા જૂલિયો રિબેરોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પાંડેની નિમણૂંક યોગ્ય ગણાવતા રિબેરોએ સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમ ગુજરાત સરકારને પાંડેને હટાવવાનો આદેશ આપે તેવી પૂરી શક્યતા વચ્ચે પાંડેએ કોર્ટના આદેશ પહેલા જ પોતાને ફરજ મુક્ત કરવા સરકારને લેખિત રજૂઆત કરી દીધી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો