એપશહેર

મજબૂત કુલપતિ નહીં મળે તો GTU પાંચ ભાગમાં વહેંચાશે?

I am Gujarat 11 Jul 2016, 5:11 am
500થી વધારે કોલેજોની કામગીરી કરવા ગણતરીના સ્ટાફથી લાંબે ગાળે સ્થિતિ કથળી શકે છે
I am Gujarat gtu 22
મજબૂત કુલપતિ નહીં મળે તો GTU પાંચ ભાગમાં વહેંચાશે?


નવગુજરાત સમય > અમદાવાદ

ગુજરાત ટેક્‌નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં તાકીદે કાયમી અને સક્ષમ કુલપતિની નિમણૂક ન થાય તો આગામી દિવસોમાં એક જ યુનિવર્સિટીના પાંચ ભાગ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થવાની દહેશત શિક્ષણવિદ્દો વ્યક્ત કરી રહ્યા છે. યુનિવર્સિટીનું વિશાળ કાર્યક્ષેત્ર જોતાં હાલ પણ પાંચ ઝોનમાં કામગીરી કરવામાં આવે છે. પાંચ ઝોનની ૫૦૦ જેટલી કોલેજોના પ્રશ્નો ઉકેલવામાં હાલ પણ જીટીયુના સત્તાધીશોને ભારે મુશ્કેલી નડી રહી છે.

ગુજરાતની જેમ તામિલનાડુમાં પણ ૪૦૦થી વધારે ટેક્‌નિકલ કોલેજોને ભેગી કરીને એક અન્ના ટેક્‌નોલોજીકલ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. પરંતુ સમયાંતરે એકસાથે આટલી બધી કોલેજોનું સંચાલન શકય ન બનવાના કારણે હાલ આ યુનિ.ને ચાર ભાગમાં વહેચી દેવાઈ છે. આ જ સ્થિતિ આગામી દિવસોમાં જીટીયુની થાય તેવી આશંકા ટેકનિકલ શિક્ષણવિદ્દોએ ઊભી કરી છે.

હાલ ૫૦૦થી વધારે કોલેજોનું સંચાલન કરવા માટે યુનિવર્સિટી પાસે કાયમી સ્ટાફ જ નથી. ઉપરાંત સ્ટેચ્યૂટ અને ઓર્ડિનન્સ વગર સમગ્ર યુનિવર્સિટી ચલાવવામાં આવી રહી છે. સ્ટાફના અભાવે યુનિવર્સિટીના રોજિંદા સંચાલનમાં ભારે મુશ્કેલી પડે છે. પરીક્ષા અને પરિણામની કામગીરીમાં જ સ્ટાફ રોકાયેલો રહેતો હોવાથી યુનિવર્સિટીની અન્ય કોઇ કામગીરી થઇ શકતી નથી. આ પરિસ્થિતિમાં ટેકનિકલ યુનિવર્સિટીમાં મજબૂત કુલપતિની જરૂર છે.

સૂત્રો કહે છે ગુજરાતમાં પણ અગાઉ એક જ કૃષિ યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી. ધીમે ધીમે દરેક વિસ્તાર પ્રમાણે હાલ અલગ અલગ કૃષિ યુનિવર્સિટી બનાવવામાં આવી છે. જીટીયુના પૂર્વ કુલપતિ અને સરકારે બનાવેલી બીઓજી વચ્ચે ગજગ્રાહ હોવાના કારણે પણ સ્ટેચ્યૂટ સહિતના અનેક પ્રશ્નો છેલ્લા છ વર્ષથી પેન્ડિંગ છે. નવા આવનારા કુલપતિએ સૌથી પહેલા સ્ટેચ્યૂટ અને ઓર્ડિનન્સ બનાવવાની કામગીરી હાથ ધરવી પડશે. આ ઉપરાંત ૫૦૦ જેટલી કોલેજોને કયા નિયમો અને એક્ટ હેઠળ જીટીયુ સાથે સાંકળવામાં આવી છે તે પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવી પડે તેમ છે.

કુલપતિ ન હોય તો બીઓજી કહે તેમ કામગીરી કરવી પડશે !

સૂત્રો કહે છે જીટીયુના કુલપતિ તરીકે પ્રબળ દાવેદાર મનાતા એમ.એન.પટેલને હાલ સર્ચ કમિટીના ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે. આ સ્થિતિમાં હવે મજબૂત કુલપતિ શોધવામાં ભારે મહેનત કરવી પડે તેમ છે. અત્યાર સુધી કુલપતિ પોતાનું ધાર્યું કરતાં હતા પરંતુ હવે કુલપતિ નબળા હશે તો બીઓજી કહે તે પ્રમાણે કામગીરી કરવી પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો