એપશહેર

મુખ્યમંત્રી રૂપાણીએ માન્યો અમદાવાદીઓનો આભાર, રાત્રિ કર્ફ્યૂ અંગે કરી વાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્ક ન પહેરનારાઓ પર આકરી કાર્યવાહીની ચેતવણી આપી

I am Gujarat 22 Nov 2020, 7:12 pm
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુ અને સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ અંગે વાત કરી હતી. અમદાવાદમાં સોમવારે સવારે છ વાગ્યે બે દિવસના કર્ફ્યુનો અંત આવશે. પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને કર્ફ્યુમાં સાથ સહકાર આપવાની અને માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરી હતી.
I am Gujarat vijay rupani5


તેમણે કહ્યું હતું કે, અમદાવાદની સમસ્ત જનતાને રાજ્ય સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. બે દિવસનો કર્ફ્યુ, વિકેન્ડ કર્ફ્યુમાં જનતાએ પૂરો સાથ અને સહકાર આપ્યો છે. કર્ફ્યુને સફળ બનાવ્યો છે. સરકારને પણ ન છૂટકે કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે, કારણ કે તહેવારોના દિવસો પછી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અલગ-અલગ રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધ્યા છે, ચેપ વધ્યો છે. તેવા સમયે સરકારને તાત્કાલિક નિર્ણય લેવા પડે છે. તેના ભાગરૂપે અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યુ જાહેર કરવો પડ્યો.

જનતાએ પણ કર્ફ્યુમાં સાથ અને સહકાર આપ્યો છે તેથી હું ફરીથી તેમને ધન્યવાદ આપું છું. સાથે સાથે આવતીકાલથી રાત્રિ કર્ફ્યુનો અમલ થાય છે. શનિવાર રાતથી ત્રણ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ થયો છે. જ્યારે સોમવારથી ચારેય શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ થશે. તેથી હું જનતાને અપીલ કરું છું કે તેઓ સાંજ પછી પાનના ગલ્લા, ચાની લારીઓ, રેસ્ટોરન્ટો હોય ત્યાં લોકો ભેગા થાય છે અને ભીડ એકઠી થાય છે. તેથી કોરોનાનો ચેપ વધવાની શક્યતા વધે છે, તેમ મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું હતું.

વિજય રૂપાણીએ યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે હું યુવાનોને અપીલ કરું છું કે તમે સશક્ત હશો અને સાજા પણ જલ્દી થઈ જશો. પરંતુ જો તમે કોરોના લઈને ઘરે ગયા તો આપણા ઘરના વડીલોને ખૂબ મુશ્કેલી પડશે. તેથી તેની ગંભીરતા સમજીને યુવાનો સાંજ પછી બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. કર્ફ્યુનો ચારેય શહેરોમાં પૂર્ણ રીતે અમલ થાય તેનું ધ્યાન રાખે. તે સિવાય ગુજરાતના અન્ય શહેરોના લોકોને પણ અપીલ કરું છું કે આપણા શહેરમાં પણ ચેપ ન વધે તે માટે સાંજ પછી બિનજરૂરી ઘરની બહાર ન નીકળે.

દિવસે સવારે છથી રાત્રે નવ ગુજરાતમાં તમામ જગ્યાએ માસ્ક વગર કોઈ નીકળે નહીં. કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર નીકળશે તો 1,000 રૂપિયાનો દંડ વસૂલવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવે, સોશિયલ ડિસ્ટન્સિંગ આ સિવાય આપણી પાસે કોઈ ઉકેલ નથી. તેથી લોકો નિયમોનું પાલન કરીને સરકારને સહકાર આપે તેવી વિનંતી કરું છું. ગભરાવવાની જરૂર નથી કેમ કે સરકારે પૂરી તૈયારીઓ કરી છે. ડોક્ટર્સ અને હોસ્પિટલોમાં બેડમાં વધારો કર્યો છે. તેથી ગભરાવવાની જરૂર નથી પરંતુ ચેપને રોકવો જરૂરી છે. તેથી હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે તેઓ રાત્રિ કર્ફ્યુનું પાલન કરે અને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળે, તેમ તેમણે જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો