એપશહેર

રાજ્યના તમામ પતંગોત્સવ રદ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

કોરોનાના કેસોમાં દિવાળી પછી થઈ હતી તેવી સ્થિતિ ફરી ઊભી ન થયા તે માટે રૂપાણી કેબિનેટે બધા પતંગમહોત્સવ રદ કરવાનો લીધો નિર્ણય.

I am Gujarat 30 Dec 2020, 4:31 pm
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે. પરંતુ યુકેના નવા કોરોના સ્ટ્રેનને પગલે રાજ્ય સરકાર હવે કોઈ છૂટછાટ લેવા નથી માગતી. વળી, ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કોરોનાની ગાઈડલાઈન્સના પાલનને લઈને ટકોર કરી હતી. તેને પગલે રાજ્ય સરકારની કેબિનેટની આજની બેઠકમાં રાજ્યમાં કોરોના અંગે ચર્ચા બાદ આ વર્ષે આંતરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન રદ કરી દીધું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
I am Gujarat Kite Festival in Gujarat1


ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો. જેના કારણે રાજ્ય સરકાર પર ઘણા માછલા ધોવાયા હતા. ત્યારે હવે રાજ્ય સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી. તેને પગલે અમદાવાદના રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતા આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવને રદ કરવાનો નિર્ણય તો પહેલા જ 26મી ડિસેમ્બરે લેવાઈ ગયો હતો. તે પછી હવે રાજ્યમાં વિવિધ જગ્યાએ યોજાતા પતંગમહોત્સવોને પણ રદ કરી દેવાયા છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાતો કાઈટ ફેસ્ટિવલ ઘણો લોકપ્રિય છે. તેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લે છે અને વિવિધ જાતના પતંગો ચગાવી પોતાની કળા બતાવે છે. લોકોને પણ અવનવી જાતના પતંગો ઉડતા જોવાનો લહાવો મળે છે. જોકે, આ વર્ષે આ મજા નહીં માણી શકાય.

જણાવી દઈએ કે, દિવાળી પછી કોરોનાના કેસોમાં એકાએક વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં ઉત્તરાયણે લઈને એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે દિવાળી પછી સર્જાઈ તેવી સ્થિતિ ઉત્તરાયણ પછી ન ઊભી થાય તે માટે ધ્યાન આપવા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો.

Read Next Story