એપશહેર

દલિતો માટે થઈ તેવી ત્વરિત કાર્યવાહી પાટીદાર દમન વખતે કેમ નહીં: હાર્દિક

I am Gujarat 19 Jul 2016, 5:23 am
નવગુજરાત સમય > ગાંધીનગર
I am Gujarat hardik ask gujarat govt why steps not taken against police for attack on patidar
દલિતો માટે થઈ તેવી ત્વરિત કાર્યવાહી પાટીદાર દમન વખતે કેમ નહીં: હાર્દિક


પાસના કન્વીનર અને હાર્દિક પટેલે ઉના દલિત પ્રકરણ અંગે મુખ્યમંત્રી આનંદીબહેનને સોશિયલ મીડિયા મારફતે એક ખુલ્લો પત્ર પાઠવીને ભાજપ સરકાર દલિતો અને પાટીદારો પ્રત્યે અલગ કાટલા રાખતી હોવાનો આક્ષેપ કર્યો છે. પત્રમાં જણાવાયું છે કે પાટીદાર અનામત આંદોલનમાં ગત ઓગસ્ટ માસમાં 14 જેટલા પાટીદાર યુવાનો મૃત્યુ પામ્યા હતા તેમાં પોલીસ સામે આજદિન સુધી કોઇ પગલા લેવાયા નથી. છ મહિના માટે ઉદયપુર પહોંચેલા હાર્દિકનો 20મીએ જન્મદિન હોવાથી પાસના નેતાઓ ત્યાં તેની સાથે મીટીંગ કરીને આગળના કાર્યક્રમોની રણનીતિ ઘડી કાઢશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પણ ભાજપનું શાસન હોવાથી ટૂંક સમયમાં ત્યાં પણ હાર્દિક કોઇ મુદ્દો ઉઠાવવા પ્રયત્નશીલ છે.

ભાજપ સરકાર સામે પાટીદારને અનામતના મુદ્દાને લઇને જંગે ચડેલા અને તાજેતરમાં જેલમુક્ત થયા છતા છ મહિના માટે હદપાર કરેલા હાર્દિકનું વલણ સરકારને ભીડવવાનું છે ત્યારે ગુજરાત બહાર જવા સાથે તેને મુદ્દો મળી ગયો છે. જેને લઇને મુખ્યમંત્રીને સંબોધીને હાર્દિકે પત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના ઉના ગામમાં દલિતો પર થયેલા હુમલામાં પોલીસ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે જયારે પાટીદાર અનામત આંદોલનમાં એક વર્ષ પૂર્વે પટેલ સમુદાયના 14 યુવાનો મૃત્યુ પામ્યા હતા અને પાટીદાર મહિલાઓ પર પોલીસ દ્વારા અત્યાચાર કરાયો છે તેમની સામે હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી.

આવી રાજનીતિને લઇને ભાજપ સવર્ણો અને બિન-સવર્ણોમાં ખાઇ ઉભી કરી રહી છે. અમે દલિત સમાજને તેમની સામાજિક સંગઠન શક્તિના કારણે તેમને ન્યાય મળ્યો છે તેને અભિનંદન આપીએ છીએ. હાર્દિક ટૂંક સમયમાં સ્થાનિક ગુર્જર નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. તે સાથે દિલ્હી અને લખનૌ જઇને પાટીદાર-કુર્મી સમાજના લોકોને મળવાનું પણ આયોજન કર્યું છે.

20મી જુલાઇએ હાર્દિકનો જન્મદિવસ છે ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાસના અગ્રણીઓ હાર્દિકને શુભેચ્છા આપવા જશે તેમની સાથે મીટીંગ યોજાશે. 20મીએ હાર્દિક નાથદ્વારાના દર્શન કરવા જશે અને ગુજરાતી સમાજ દ્વારા હાર્દિકનું સ્વાગત કરાશે. તે પછી રાજ્યમાંથી ઉદયપુરમાં મેડીકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગુજરાતને લગતા વિષયોની ચર્ચા કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો