એપશહેર

સરકાર-પાટીદારો વચ્ચે બેલેન્સ જાળવીશ: હાર્દિક

I am Gujarat 18 Jul 2016, 4:47 am
નવગુજરાત સમય > હિંમતનગર
I am Gujarat hardik says he will balance between govt patidars
સરકાર-પાટીદારો વચ્ચે બેલેન્સ જાળવીશ: હાર્દિક


રાજદ્રોહના ગુનામાં નવ મહિના જેલમાં રહ્યાં બાદ શરતી જામીન પર છુટેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટના આદેશ મુજબ રવિવારે 11 વાગ્યે ગુજરાતને છોડી દીધુ હતું. ગાંધીનગરથી 50થી વધુ કારના કાફલા સાથે નીકળ્યા બાદ પ્રાંતિજ થઇ હિંમતનગર આવી શામળાજી પાસેના રતનપુર પાસેની ગુજરાતની સરહદ છોડી હતી. આ પ્રસંગે હાર્દિકે ગુજરાતને બાય બાય કહી છ મહિના બાદ ફરી મળવાનો વાયદો કર્યો હતો. રતનપુરમાં હાર્દિકે જણાવ્યુ હતું કે આ આંદોલનમાં સરકાર અને પાટીદારો વચ્ચે સમતુલા જળવાય તેવા પ્રયાસ કરીશ.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ રવિવારે સવારે ગાંધીનગરથી 50થી વધુ વાહનોના કાફલા સાથે ઉદેપુર જવા રવાના થયો હતો. મજરા ત્રણ રસ્તા થઈને પ્રાંતિજમાં માત્ર બે મિનિટના રોકાણ બાદ હિંમતનગર પહોંચ્યો હતો. હિંમતનગરમાં પાંચ મિનિટ રોકાણ દરમિયાન ઉપસ્થિત પાટીદારોએ હાર્દિકનું સ્વાગત કર્યુ હતું. જયાંથી તેઓ શામળાજી થઇ 11 વાગ્યા પહેલા રતનપુર ખાતે આવેલી ગુજરાત અને રાજસ્થાનની સરહદે પહોંચી ગયો હતો. જ્યાં તેમનું પાટીદારો દ્વારા સ્વાગત કરાયું હતું.

આ સમયે હાર્દિક પટેલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ડાંગી સમાજના લોકોનો પણ સહયોગ લેવાશે. ઉપરાંત જે લોકો અનામત માટે લડાઇ લડી રહ્યા છે તેમનો પણ સહકાર લઇશું. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને પાટીદારો વચ્ચે બેલેન્સ કરીશું. હાર્દિકે ગુજરાતને છ મહિના માટે બાય બાય કહીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે અનેક પાટીદારોએ જય સરદારના નારા લગાવ્યા હતા. હાઇકોર્ટે પાસ કન્વીનર હાર્દિક પટેલને આપેલા શરતી જામીન મુજબ તેણે 17 જુલાઇ સવારના 11 વાગ્યા પહેલા ગુજરાત છોડવાનો આદેશ હતો.

જે અંતર્ગત રવિવારે સવારે હાર્દિક રાજસ્થાનમાં જવા માટે 50થી વધુ કારોના કાફલા તેમજ સાબરકાઠા જિલ્લા પોલીસવડા એસ.પી. માલ. સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રતનપુર ચેકપોસ્ટ ઉપર આવી પહોચો હતો. તેણે સમર્થકો સાથે 11વાગ્યા પહેલા ગુજરાતની બોર્ડર પસાર કરી દીધી હતી. બીજી બાજુ રાજસ્થાનમાં હાર્દિકના આગમને આવકારવા રાજસ્થાનમાંથી પાટીદારો તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તુલસીરામ ડાંગી સહિત રતનપુર ખાતે આવી પહોચ્યા હતા અને હાર્દિકનું સ્વાગત કર્યું હતું. ત્યારે સમર્થકો દ્વારા જય સરદારના નારા બોલાવાતા વાતાવરણ જય સરદારના નારાથી ગાજી ઉઠયુ હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો