એપશહેર

ભૂતિયા નળ કનેક્શનને 500 રુપિયા ફી લઈ નિયમિત કરી અપાશે

I am Gujarat 22 Aug 2020, 3:30 pm
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા‘નલ સે જલ’ મિશન અંતર્ગત બે મોટા નિર્ણય લેવાયા છે. સીએમ રુપાણીએ અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં રૂ. પ૦૦ની ફી લઇને નિયમિત કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે. આ સિવાય નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાનું પણ સરકારે નક્કી કર્યું છે.
I am Gujarat water tap


સીએમે રાજ્યના ૮ મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, સચિવ લોચન શહેરા તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી. કમલ શાહ, રાવલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ડે-ટુ-ડે રોજબરોજના વહીવટી કામોના નિકાલ તેમજ વિકાસ કામોને પણ અગ્રતા આપી સ્થિતી પૂર્વવત થવા માંડી છે તેવી જનઅનુભૂતિ નાગરિકો-શહેરીજનોને કરાવવી જોઇએ. આ સંદર્ભમાં તેમણે એમ પણ જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે નિયમીત બેઠકો યોજીને તથા આપસી સંકલન કેળવીને રોજબરોજના કામોની ચર્ચા-નિકાલ માટે બિઝનેસ મિટીંગ થાય અને સમીક્ષા કરાય તેવી વ્યવસ્થાઓ મ્યુનિસિપલ કમિશનરો ગોઠવે.

ચોમાસામાં વરસાદને કારણે રોડ-રસ્તાને જે નાનુ-મોટું નુકશાન થયું હોય તે માટે રિપેરીંગ-રિસરફેસીંગની તૈયારીઓ માસ્ટર પ્લાન સાથે કરી દેવાય અને ઊઘાડ નીકળતાં જ તે દુરસ્તી કામો હાથ ધરાય તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ સીએમે આપી હતી. આગામી દિવાળી પહેલાં આવા તમામ માર્ગો રસ્તાઓ પૂર્વવત બને તે માટેની કાર્યવાહીની પણ તેમણે તાકિદ કરી હતી. સીએમે નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા સહિતના કામો માટે આયોજનબદ્ધ લક્ષ્યાંક નિર્ધારીત કરીને કામગીરી કરવાની રિજીયોનલ મ્યુનિસિપાલિટીઝ કમિશનરોને તાકિદ કરી હતી. તે જ રીતે ટી.પી સ્કીમ નો ડ્રાફ્ટ મંજૂર થાય એટલે તરત જ અમલીકરણ ની કામગીરી શરૂ થાય ખાસ કરીને રસ્તાની જમીન સત્તા મંડળ લઇ લે અને આંતર માળખાકીય સુવિધાના કામો માટે જરૂરી કામગીરી કરે તેવું સૂચન કર્યુ હતું.

સીએમે પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને ફેઇસ લેસ વ્યવસ્થાઓ નાગરિક કેન્દ્રીત સેવાઓ ઓનલાઇન કરીને વિકસાવવા સમયાનુકુલ કાર્યવાહીના સેટ અપ માટે પણ આ બેઠકમાં હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓ વિકસાવી પારદર્શકતા અને ઝડપી નિર્ણયોથી આગળ વધી રહી છે તે સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ કદમ મિલાવતી અનુરૂપ સુવિધાઓ ઊભી કરવી જોઇએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો