એપશહેર

Covidનો ક્લેમ ચુકવવામાં વીમા કંપનીના ઠાગાઠૈયા, કન્ઝ્યુમર કોર્ટે અપાવ્યો ન્યાય

કોવિડના ઘણા દર્દીઓને વીમા કંપનીઓના કડવા અનુભવો થયા છે જેમણે જુદા જુદા કારણોથી ક્લેમ રિજેક્ટ કરી નાખ્યા છે. પરંતુ આવા બે બનાવોમાં ગ્રાહક સુરક્ષા પંચે (Consumer commission)ન્યાય તોળ્યો છે અને વીમાધારકોને ઈન્શ્યોરન્સની રકમ ચુકવવા માટે વીમા કંપનીને આદેશ આપ્યો છે. બંને ગ્રાહકને વીમાની સંપૂર્ણ રકમ ચુકવાશે ઉપરાંત વધારાનું વળતર પણ આપવું પડશે.

Authored byઅજિત ગઢવી | TIMESOFINDIA.COM 21 Jun 2022, 11:52 am
કોવિડ (Covid-19)ની બીજી લહેર વખતે ઘણા લોકોએ સારવાર માટે વીમાના ક્લેમ કરવા પડ્યા હતા, પરંતુ વીમા કંપનીઓએ જુદા જુદા બહાના કાઢીને ઘણા ક્લેમ રિજેક્ટ કર્યા હતા. આવા બે બનાવોમાં ગ્રાહક સુરક્ષા પંચે (Consumer commission)ન્યાય તોળ્યો છે અને વીમાધારકોને ઈન્શ્યોરન્સની રકમ ચુકવવા માટે વીમા કંપનીને આદેશ આપ્યો છે.
I am Gujarat Covid Test
RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા વીમા કંપનીએ ક્લેમ ફગાવ્યો હતો.


કોવિડની લહેર વખતના આ બંને બનાવો ગાંધીનગર જિલ્લામાં બનેલા છે. તેમાં ઇશ્વર રાવલ નામની વ્યક્તિએ ફ્યુચર જનરાલી ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની (Future Generali India Insurance Co) પાસેથી 2.5 લાખ રૂપિયાની કોરોના રક્ષક પોલિસી લીધી હતી. તેમાં કોવિડની સારવાર માટે 100 ટકા ખર્ચનું વળતર મળશે તેવી ખાતરી અપાઈ હતી. 18 ડિસેમ્બર 2020ના રોજ ઈશ્વર ભાઈમાં કોરોનાના લક્ષણ દેખાયા અને રેપિડ એન્ટીજન ટેસ્ટ પરથી કોરોના સાબિત થયો હતો. તેથી તેમને ચાર દિવસ માટે SMVP સ્વામીનારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડિસ્ચાર્જ સમરી પ્રમાણે તેમને કોરોનાની સારવાર અપાઈ હતી. આ બદલ તેમણે રૂ. 93,000ની ચુકવણી કરી હતી.

રાવલે જ્યારે વીમા કંપનીમાં ક્લેમ કર્યો ત્યારે કંપનીએ એવું કહીને દાવો ફગાવી દીધો કે 19 ડિસેમ્બરે તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. વીમા કંપનીની દલીલ હતી કે RT-PCR ટેસ્ટ પોઝિટિવ હોય તો જ ક્લેમ મંજૂર કરવામાં આવશે. કંપનીએ CT વેલ્યૂ ટાંકીને જણાવ્યું કે તેઓ કોવિડ નેગેટિવ હતા. તેમનો HRCT સ્કેન પણ નોર્મલ હતો.

બીજી આવી ઘટનામાં કુડાસણના યશ લાલવાણીને પણ આવો જ અનુભવ થયો હતો. તેમણે પણ ફ્યુચર જનરાલી પાસે 2.5 લાખનો કોવિડ વીમો ઉતરાવ્યો હતો. ફેબ્રુઆરી 2021માં તેમને કોરોના થતા આસ્કા હોસ્પિટલમાં ચાર દિવસ માટે દાખલ કરવામાં આવ્યા જેના માટે તેમણે સારવાર ખર્ચ પેટે રૂ. 97,000 ચુકવ્યા હતા. યશે જ્યારે વીમા માટે ક્લેમ કર્યો ત્યારે તેમનો ક્લેમ પણ ફગાવીને વીમા કંપનીએ કહ્યું કે તેમને આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હતો.

બંને પોલિસીધારકો વીમા કંપની સામે ગાંધીનગર જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ પંચમાં ગયા અને પૂરાવા રજુ કર્યા. તેમણે ડોક્ટરના સર્ટિફિકેટ અને ડિસ્ચાર્જ સમરી રજુ કરી હતી. દસ્તાવેજોની ચકાસણી પછી ગ્રાહક પંચે કહ્યું કે વીમાના ક્લેમ નકારી કાઢવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગ્રાહક પંચે બંને ગ્રાહકોને અઢી -અઢી લાખ રૂપિયા ચુકવવા તથા માનસિક હેરાનગતિ બદલ 10-10 હજાર વધારાના ચુકવવા વીમા કંપનીને આદેશ આપ્યો છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story