એપશહેર

ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, ઠંડી માટે અઠવાડિયું રાહ જોવી પડશે

હવામાન વિભાગે જણાવ્યું કે ડિસેમ્બર અડધો થવા આવ્યો છતાં ઠંડી કેમ નથી પડી રહી

I am Gujarat 10 Dec 2020, 9:26 am
અમદાવાદઃ ડિસેમ્બર અડધો પતવા આવ્યો છતાં ઠંડીની અસર જોવા નથી મળી રહી. આ સાથે હવે કમોસમી માવઠાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. એક તરફ લાંબું ચોમાસું અને શિયાળામાં પણ દિવસના મોટાભાગ દરમિયાન ઉનાળાનો અનુભવ અને હવે વરસાદની સંભાવના ખેડૂતોની ચિંતિત કરી રહી છે. રાજ્યમાં આજે તથા આવતીકાલે કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સામાન્ય રીતે આ સમયમાં ઠંડી જોર પકડી ચૂકી હોય તેના બદલે રાજ્યના મોટાભાગના સ્થળો પર લઘુત્તમ તાપમાનનો પારો માંડ 15ની નીચે જઈ રહ્યો છે.
I am Gujarat light rain very likely at isolated places in the districts of gujarat
ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, ઠંડી માટે અઠવાડિયું રાહ જોવી પડશે


રાજ્યમાં આવેલા હવામાનમાં પલ્ટામાં આજે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, સુરત અને ભરુચની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે શુક્રવારે આણંદ, ભરુચ અને વડોદરાની સાથે ભાવનગરમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લે નોંધાયેલા રાજ્યના તાપમાનની વાત કરીએ તો 12.5 ડિગ્રી સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં ઓછામાં ઓછું 16 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 13.2, વડોદરામાં 16.1, રાજકોટમાં 16.8, સુરેન્દ્રનગરમાં 15, ભૂજમાં 17.8, અમરેલીમાં 15.2, મહુવામાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. જયંત સરકારે દક્ષિણ પૂર્વ તરફ ફૂંકાતા પવન વિશે જણાવીને આગામી 4 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે.

બીજી તરફ વરસાદ, શિયાળો જેવી ઋતુમાં થઈ રહેલા ફેરફારોના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે જોઈએ તેવી ઠંડી નથી પડી રહી અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો