એપશહેર

દત્તાજીને MA પાસ થવામાં ‘બાયપાસ’પણ નહીં રોકી શકે

I am Gujarat 17 Apr 2016, 2:23 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat ma 3
દત્તાજીને MA પાસ થવામાં ‘બાયપાસ’પણ નહીં રોકી શકે


ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી જુદી જુદી પરીક્ષાઓમાં ૭૫ વર્ષની ઉંમરના દત્તાજી ચિંરદાસ નામના એક વડીલ એમ.એ. સેમેસ્ટર-૪માં પોલિટિકલ સાયન્સના વિષય સાથે પરીક્ષા આપી રહ્યા છે.

નાનપણમાં અભ્યાસ કરવાની તક ન મળી હોવાથી કોઇપણ સંજોગોમાં માસ્ટર ડિગ્રી મેળવવાની તેમની ઝંખનાએ હાલ તેમને પરીક્ષા આપવા માટે તૈયાર કર્યા છે. ભવિષ્યમાં પીએચ.ડી. કરવાની મહત્વકાંક્ષા ધરાવતાં આ વડીલની શારીરિક તબિયત લથડતાં હવે તેઓ એમ.એ. કરીને અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છે છે. જો કે, તેઓ કહે છે ભણવાની કોઇ ઉંમર હોતી નથી અને ગ્રેજ્યુએશન પુરુ કર્યા પછી પણ દરેક વ્યક્તિએ કોઇને કોઇ પ્રકારે અભ્યાસ ચાલુ રાખવો જોઇએ.

આશ્રમ રોડ પર આવેલી સી.સી.શેઠ નવગુજરાત કોલેજમાંથી પરીક્ષા આપી રહેલા દત્તાજીની ઉંમર હાલ ૭૫ વર્ષની છે. ૪૦ દિવસ પહેલા જ તેમને બાયપાસ સર્જરી કરાવી છે. તાજેતરમાં બાયપાસ કરાવી હોવાથી ડોક્ટરે તેમને દાદરા ચઢવાની મનાઇ ફરમાવી છે. જેના લીધે કોલેજ સંચાલકોએ તેમના માટે ખાસ નીચેની રૂમમાં બેઠક વ્યવસ્થા ગોઠવી આપી છે. બાયપાસ સર્જરીના પાટ્ટા બાંધેલા હોવા છતાં તેઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે.

આટલી ઉંમરે સામાન્ય લોકો ભણવાની વાત તો દૂર પરંતુ બજારમાં આંટો મારવા જવાનું પણ પસંદ કરતાં નથી. ત્યારે પોતાના અનુભવ અંગે દત્તાજી કહે છે નાનપણમાં મને ભણ‌વાની તક મળી નહોવાથી માત્ર ચાર ચોપડી સુધી જ ભણી શકયો હતો. નાનપણથી જ જનસંઘ અને આરએસએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલો રહેવાના કારણે ભણવાનો સમય મળી શકયો નહોતો. વર્ષ ૨૦૧૦માં તમામ જવાબદારીમાંથી થોડી થોડી મુક્તિ મળતાં નવેસરથી ભણવાનો વિચાર કર્યો હતો. વર્ષ ૨૦૧૧થી બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૩માં બી.એ.વીથ પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ તરીકે એમ.એ.ની પરીક્ષા આપવાનું શરૂ કર્યુ હતું. હાલ એમ.એ. સેમેસ્ટર-૪ની પરીક્ષા આપી રહ્યો છું. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ પીએચડી કરવાની ઇચ્છા હતી પરંતુ હવે ઉંમરના કારણે ઇચ્છા ઓછી છે. પરંતુ હું માનું છું કે દરેક વ્યકિતએ જીવનભર અભ્યાસ કરતાં રહેવું જોઇએ. મને આરએસએસ અને જનસંઘના કામના કારણે સમય મળ્યો નહોતો પરંતુ હવે મે મારી ઇચ્છાઓ પુરી કરી દીધી છે. હાલના વિદ્યાર્થીઓને હું કહેવા માંગું છું કે માત્ર ડિગ્રી મેળવવા માટે જ નહીં પરંતુ ડિગ્રી મળ્યા પછી પણ જ્ઞાન મેળવવા માટે સતત અભ્યાસ કરતાં રહેવો જોઇએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો