એપશહેર

મનસુખ વસાવાએ માત્ર નાટક કર્યું! 24 કલાકમાં જ રાજીનામું પાછું ખેંચી લીધું

રાજીનામું પરત ખેંચવાનું વિચિત્ર કારણ આપતા વસાવાએ કહ્યું, 'સાંસદ રહીશ તો સરકારી ખર્ચે સારવાર થઈ શકશે'

I am Gujarat 30 Dec 2020, 11:44 am
અમદાવાદ: ભરુચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ માંડ 24 કલાકમાં જ પક્ષમાંથી આપેલું રાજીનામું પરત ખેંચી લીધું છે. ગઈકાલે જ એવી અટકળો શરુ થઈ હતી કે વસાવાએ માત્ર દબાણ સર્જવા માટે રાજીનામું આપવાનું તગકડું કર્યું છે, અને તેઓ ગમે ત્યારે રાજીનામું પરત ખેંચી લે તો નવાઈ નહીં. વસાવાએ રાજીનામું આપતો પત્ર પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો, પરંતુ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ અંગે જણાવ્યું હતું કે તેમને રાજીનામાંનો કોઈ પત્ર મળ્યો જ નથી.
I am Gujarat mansukh vasava withdraws resignation within 24 hours
મનસુખ વસાવાએ માત્ર નાટક કર્યું! 24 કલાકમાં જ રાજીનામું પાછું ખેંચી લીધું


વસાવાએ રાજીનામાંના પત્રમાં જણાવ્યું હતું કે મારી કરેલી ભૂલના કારણે પક્ષને નુક્સાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ મને ક્ષમા કરશો.. તેમણે બજેટ સત્ર શરુ થાય ત્યારે લોકસભા સ્પીકરને રુબરુ મળી સાંસદ પદેથી પણ રાજીનામું આપી દેવાની વાત કરી હતી. જોકે, આવું કંઈ થાય તે પહેલા જ તેમણે માત્ર 'ફેસબુક' પર જ મૂકેલું રાજીનામું પરત ખેંચી લીધું છે.

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા વસાવાએ રાજીનામું પરત ખેંચવા અંગે વસાવાએ જણાવ્યું હતું કે જો હું સાંસદ બની રહ્યો, તો મારી સારવારનો ખર્ચો સરકાર આપશે. રાજીનામું પરત ખેંચવા અંગે ખુલાસો કરતા વસાવાએ કહ્યું હતું કે, સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ નથી. મારો અવાજ સાંભળવામાં આવે છે. જોકે, કમરના દુ:ખાવાની પ્રોબ્લેમ હોવાથી પોતે પ્રવાસ નથી કરી શકતા. ડૉક્ટરની સલાહ પર જ તેમણે રાજીનામું આપ્યું હતું.

વસાવાએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજીનામું આપવાનો મુખ્ય ઉદ્દેશ તબિયત સાચવવાનો અને આરામ કરવાનો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે કેન્દ્રિય નેતાગીરી સાથે પણ આ અંગે વાત કરી હતી. વસાવાએ દાવો કર્યો હતો કે, તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તમે સાંસદ તરીકે ચાલુ રહેશો તો સરકારી ખર્ચે સારવાર મળી શકશે. પરંતુ રાજીનામું આપ્યા બાદ સરકાર ખાસ મદદ નહીં કરી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની તબિયત એટલી ખરાબ રહે છે કે ઘણીવાર તો કામ કરતા-કરતા જ ચક્કર આવી જાય છે. જોકે, જ્યારે તેમને પૂછાયું કે તબિયત ખરાબ રહેતી હતી તો ચૂંટણી કેમ લડ્યા? જેના જવાબમાં વસાવાએ કહ્યું હતું કે, ચૂંટણી લડ્યા બાદ તેમને સ્વાસથ્યને લગતી સમસ્યા શરુ થઈ છે.

વસાવાએ જણાવ્યું હતું કે ડૉક્ટરે તેમને છએક મહિના સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે? તો તે સવાલનો સીધો જવાબ આપવાને બદલે વસાવાએ આખી વાત જ ઉડાવી દીધી હતી. કેવડિયા કોલોનીમાં ઈકો સેન્સિટિવ ઝોન સ્થાપવાના મુદ્દે પોતાની નારાજગી હોવા અંગે વસાવાએ જવાબ આપ્યો હતો કે આ મામલે તેમણે સરકારને રજૂઆત કરી છે, અને તે અનુસાર કામગીરી ચાલી રહી છે તેમાં નારાજગીનો કોઈ સવાલ જ નથી.

પોતાને પક્ષ સામે કોઈ નારાજગી ના હોવાનો દાવો કરતા વસાવાએ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ભાજપે જેટલા કામ કર્યા છે તેટલા કોઈ પક્ષે નથી કર્યા, અને પક્ષમાં તેમનો અવાજ સાંભળવામાં પણ આવે છે. રાજીનામું આપવાનો મુખ્ય ઉદ્દેશ પક્ષ કે સરકાર સામે કોઈ નારાજગી નહીં, પરંતુ કમર અને ગળામાં થતો દુ:ખાવો કારણભૂત હતો તેવું તેમણે વારંવાર કહ્યું હતું.

Read Next Story