એપશહેર

જોરદાર! મેટ્રો ટ્રેનના પિલર્સનો હવે અમદાવાદીઓ આવી રીતે પણ કરી રહ્યા છે ઉપયોગ!!

નવરંગ સેન | TNN 17 Feb 2020, 1:02 pm
મેઘદૂત શેરોન, અમદાવાદ: શહેરમાં હાલ દોડી રહેલી મેટ્રોનો અમદાવાદીઓએ અલગ જ રીતે ઉપયોગ શરુ કરી દીધો છે. વસ્ત્રાલથી એપરેલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રોના દરેક પિલરને નંબર આપવામાં આવ્યા છે, અને આ નંબર જ હવે લેન્ડમાર્ક બની રહ્યા છે. જેના આધારે કોઈપણ એડ્રેસ શોધવામાં સરળતા પડી રહી છે.લોકો પોતાની દુકાનો, ઓફિસો તેમજ ઘરના એડ્રેસમાં પણ પોતાની નજીકના મેટ્રો પિલરનો નંબર લખતા થઈ ગયા છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો અમદાવાદીઓ પોતાના પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યુમેન્ટમાં પણ મેટ્રોના પિલર નંબર આપવા લાગ્યા છે.વસ્ત્રાલ નજીક કમ્પ્યુટરની દુકાન ચલાવતા પ્રતિક પટેલ જણાવે છે કે જે લોકો અમદાવાદના ના હોય તેમના માટે ક્યારેક એડ્રેસ શોધવું મુશ્કેલ થઈ જતું હોય છે. પરંતુ વસ્ત્રાલ રિંગ રોડ અને એપરેલ પાર્ક જેવા વિસ્તારોમાં હવે મેટ્રોના પિલર નંબર પરથી કોઈપણ એડ્રેસ શોધવું ખૂબ જ સરળ બની ગયું છે. કોઈને ક્યાંક મળવાનું હોય તો પણ હવે લોકો મેટ્રો પિલરના નંબર આપતા થઈ ગયા છે.વસ્ત્રાલમાં જ પોતાની દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ શાહે તેમના વિઝિટિંગ કાર્ડમાં દુકાનના એડ્રેસમાં મેટ્રો પિલર નંબર 75 લખાવ્યું છે. માત્ર વિઝિટિંગ કાર્ડ જ નહીં, તેમની દુકાનના ડોક્યુમેન્ટમાં પણ મેટ્રો પિલર નંબરનો સમાવેશ થઈ ચૂક્યો છે. રબારી કોલોનીથી વસ્ત્રાલ સુધી હવે કોઈપણ એડ્રેસને મેટ્રોના પિલર નંબર પરથી સરળતાપૂર્વક શોધી શકાય છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story