એપશહેર

સ્મૉલ કૉઝ કોર્ટને અપાઈ વધુ સત્તા, નાણાંકીય હકૂમત 10 લાખથી વધારી 25 લાખ રૂપિયા કરાઈ

સ્મોલ કોઝ કોર્ટ કાયદા (ગુજરાત સુધારા) વિધેયક, 2020 વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર, સિટી સિવિલ કોર્ટ અને દિવાની કોર્ટના કેસોનું ભારણ ઘટશે અને ન્યાય પ્રક્રિયા ઝડપી થશે

I am Gujarat 24 Sep 2020, 11:42 pm
અમદાવાદ: રાજયમાં સિટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોનું કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા સાથે ઝડપી ન્યાય મળે તે માટે હાઇકોર્ટની દરખાસ્ત સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત 10 લાખથી વધારી 25 લાખ રૂપિયા કરવા અંગેનું સુધારા બિલ સ્મોલ કોઝ કોર્ટ કાયદા (ગુજરાત સુધારા) બિલ, 2020 આજે વિધાનસભા ગૃહમાં કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રજૂ કર્યું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.
I am Gujarat more powers to small cause court financial authority increased from rs 10 lakh to rs 25 lakh
સ્મૉલ કૉઝ કોર્ટને અપાઈ વધુ સત્તા, નાણાંકીય હકૂમત 10 લાખથી વધારી 25 લાખ રૂપિયા કરાઈ


આ સુધારા બિલ અન્વયે કાયદા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે હાલની સરકારનું દ્રઢપણે માનવું છે કે સમયસર ન મળતો ન્યાય તે અન્યાય બરાબર છે. ગુજરાતમાં ગ્લોબલાઇઝશન અને ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થાવર અને જંગમ મિલકતોમાં વૃધ્ધિ થઇ છે અને તે વૃધ્ધિને કારણે સ્થાવર મિલકતોની કિંમતોમાં પણ અસામાન્ય વધારો થયો છે. રાજયમાં મહેસૂલી સરળીકરણની સરકારની નીતિના કારણે હાલમાં રાજ્યમાં 33 જિલ્લાઓ બનેલા છે જે તમામ જિલ્લાઓને ન્યાયિક જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા છે.

રાજયમાં કોર્ટ્સની સ્થિતિ સંદર્ભે મંત્રીએ ઉમેર્યું કે હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ 1176 કોર્ટ કાર્યરત છે જેમાં અનુક્રમે 33 જિલ્લાઓમાં 314 ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજીસની કોર્ટ્સ, 432 સીનિયર સિવિલ જજીસની કોર્ટ્સ તથા 430 સિવિલ જજ અને જે.એમ.એફ.સી કોર્ટ્સ કાર્યરત છે તે ઉપરાંત રાજ્યમાં 38 જેટલી ફેમિલી કોર્ટ્સ છે. તેમજ રાજ્યના મજૂર કાયદાને અનુલક્ષીને કુલ 14 ઔદ્યોગિક અદાલતો તથા 44 મજૂર અદાલતો પણ કાર્યાન્વિત છે. બાળકો પરના અત્યાચાર માટે સ્પે. પોક્સો કોર્ટ તથા મહિલાઓ પરના દુષ્કર્મ માટે 35 સ્પેશિયલ કોર્ટ્સ, એન.ડી.પી.એસની સ્પેશિયલ કોર્ટ અને ઇલેક્ટ્રિસિટી એક્ટ માટેની સ્પેશિયલ. કોર્ટ છે.

તેમણે ઉમેર્યું હતું કે કોર્ટોમાં માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રકચર)માં વધારો કરવામાં આવેલ છે તેમજ કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવે છે. જાડેજાએ ઉમેર્યું હતું કે રાજય સરકારના ઇનિશિએટીવ્સના કારણે ગુજરાત રાજ્યની તાબાની અદાલતોમાં પડતર કેસો જે 1 જાન્યુઆરી 2017ના રોજ 18,96,102 હતા તેમાં ત્રણ વર્ષ એટલે કે 31 ડિસેમ્બર 2019 તેમાં 38,68,527 નવા કેસ દાખલ થયા અને તેની સામે 41,97,235 કેસોનો નિકાલ કરાયો. 31 ડિસમ્બર 2019ની સ્થિતિ રાજ્યની કોર્ટ્સમાં 15,67,394 કેસો પેન્ડિંગ હોવાનું જાડેજાએ જણાવ્યું.

તેમણે જણાવ્યું કે, 2003-04માં કાયદા વિભાગનું બજેટ 140.19 કરોડ રૂપિયા હતું જે 2020-21 વધીને 1680.80 કરોડ થઈ ચૂક્યું છે અને તેમાં 1200 ટકાનો વધારો થયો છે.

કેસો ઝડપથી ચાલે અને ટૂંકી ન્યાયિક પ્રક્રિયાથી આવા નાના વિવાદોનો ઝડપથી અંત આવે તે માટે આવા કેસો સંક્ષિપ્ત (સમરી ટ્રાયલ પ્રોસેસ) પ્રકારની ન્યાયિક પ્રક્રિયામાં ચલાવવી જરૂરી હોઇ આવા કેસો સ્મોલ કોઝ કોર્ટમાં ચલાવવા કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે તેમ કહી પ્રદીપસિંહે વધુમાં ઉમેર્યુ કે, આ સુધારાને કારણે લેણાંના દાવાઓ એટલે કે, money suit, ભાડા વાધારાના તથા ભાડુઆત અને માલિક વચ્ચેના મિલકતના કબ્જા તથા ભાડાના, તથા રૂ. 10 લાખની કિંમતના સમરી દાવા, ઇલેકશન પિટિશનો તથા મ્યુનિસિપલ વેલ્યુએશન અપીલ જેવા કેસો ઝડપથી ચાલી શકશે અને હાલમાં સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત વધવાથી સિટી સિવિલ કોર્ટ અમદાવાદ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની દિવાની અદાલતોનું ભારણ ઘટશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હુકુમત વધવાને કારણે સીટી સિવિલ કોર્ટ, અમદાવાદ અને રાજકોટ, સુરત અને વડોદરાની દિવાની અદાલતોમાંથી રૂ. ૨૫ લાખ સુધીના દાવાઓ સ્મોલ કોઝ કોર્ટમાં તબદીલ થશે. જેના કારણે સીટી સિવિલ અને દીવાની અદાલતમાં વારંવાર અન્ય કેસોના ભારણના કારણે મુદ્દતો પડતી હતી તે નિવારી શકાશે અને પક્ષકારોને સરળતાથી અને ઝડપથી ન્યાય મળશે. સીટી સિવિલ કોર્ટની તથા દિવાની અદાલતોની કાર્યવાહી કરતાં સ્મોલ કોઝ કોર્ટની સમરી પ્રકારના દાવાની ટ્રાયલ ચલાવવાની કાર્યવાહી ઝડપી હોવાને કારણે સ્મોલ કોઝ કોર્ટમાં કેસોનો ત્વરિત અને સરળતાથી નિર્ણય થઇ શકશે. આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો