એપશહેર

સીજી રોડ પર માસ્કને તીલાંજલી આપીને બેઠા હતા, પોલીસે દંડ માગ્યો તો સામે થઈ ગયા

અમે દંડ નહીં ભરીએ.. થાય એ કરી લો.. પોલીસ સ્ટેશન લઈ જવાની વાત આવી તો બધી ગરમી ઉતરી ગઈ અને 5માંથી 2 ભાગી ગયા

I am Gujarat 27 Jan 2021, 1:06 pm
અમદાવાદઃ એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, આવામાં કોરોના વાયરસથી છૂટકારો મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ રસીકરણની ઝડપી પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ હવે કોરોના છે જ નહીં તેવી વાતો કરતા લોકો માસ્કને તીલાંજલી આપી રહ્યા છે. ઘરની બહાર નીકળ્યા પછી પણ ખાલી પોલીસ દેખાય એટલા પુરતું જ માસ્ક પહેરનારા લોકો પોતાના તથા બીજાના માટે ખતરારુપ બની શકે છે. આવામાં પોલીસ દ્વારા લોકો માસ્કના નિયમનું પાલન કરે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં ઘણાં નાગરિકો પોલીસની સામે થતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. આવી જ એક ઘટના મંગળવારે શહેરના સીજી રોડ પર બની હતી.
I am Gujarat navrangpura police ask to pay fines for not wearing mask 5 denied
સીજી રોડ પર માસ્કને તીલાંજલી આપીને બેઠા હતા, પોલીસે દંડ માગ્યો તો સામે થઈ ગયા


સીજી રોડ પર આવેલા મ્યુનિસિપલ માર્કેટ પાસે પાંચ જણા બેઠા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓએ માસ્ક નહોતું પહેર્યું. પોલીસે તેમને માસ્ક પહેરવાનું કહીને દંડ આપવાની વાત કરી તો આ ટોળકી ગરમ થઈ ગઈ હતી અને પોલીસની સામે થઈ ગઈ હતી. દંડની વાત આવતા ઉશ્કેરાયેલી ટોળકીએ પોલીસને મોઢા પર કહી દીધું કે, તમે ખોટી રીતે દંડ ઉઘરાવી રહ્યા છો.. અમે દંડ નહીં ભરીએ.. તમારાથી થાય એ કરી લો.. આ પછી પોલીસે નિયમનો ભાન કરાવવા માટે તેમની સામે કાર્યવાહી માટેની પ્રક્રિયા શરુ કરી હતી.

રિપોર્ટ્સ મુજબ જ્યારે પોલીસે માસ્ક નહીં પહેરીને પોલીસની સામે થઈ રહેલા શખ્સોને પોલીસ સ્ટેશન આવવા માટે કહ્યું તો તેમની ગરમી ઠંડી પડી ગઈ હતી. પણ ત્યાંથી નીકળવાના પેંતરા શરુ કર્યા હતા. આ પછી ઘટના સ્થળ પર ટોળું થતાં બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે પોલીસે ત્રણને ઝડપી પાડ્યા હતા.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ અને તેમની ટીમ સીજી રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. જેમાં પોલીસે આકાશ પટેલ, પિતા-પુત્ર મહેન્દ્ર અને જય પટેલને ઝડપી લીધા હતા. જ્યારે માસ્ક બાબતે પોલીસની સામે થવાના કિસ્સામાં લોકોના ટોળા થઈ જતા જયમીન પટેલ અને ધર્મેશ પટેલ ફરાર થઈ ગયા હતા અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

Read Next Story