એપશહેર

અ'વાદી પ્રેમી સાથે લગ્ન કરીને ગેરકાયદે રહેતી PAK મહિલા ઝડપાઈ, પતિના મોત બાદ ભાંડો ફૂટ્યો

I am Gujarat 27 Nov 2020, 10:21 am
કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. અત્યાર સુધી તમે ફિલ્મોમાં જુદા-જુદા દેશોમાં રહેતા હિરો અને હિરોઈન વચ્ચે પ્રેમ થતો જોયો હશે. ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની એક ઘટના સામે આવી છે. જેમાં પ્રેમમાં પાગલ પાકિસ્તાની મહિલા લગ્ન માટે ગેરકાયદે ભારતની સરહદમાં ઘુસી આવી. પરંતુ ચાર મહિના પહેલા કોરોનાના કારણે તેના પતિનું મોત થઈ જતા ગેરકાયદે વસવાટનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. જાણકારી મળ્યા બાદ પોલીસે પાકિસ્તાની મહિલાને જેલ હવાલે કરી દીધી છે.
I am Gujarat woman


ઘટનાની વિગતો મુજબ, કેરોલ નામની મહિલા મૂળ પાકિસ્તાનના લાહોરની વતની છે. તે સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદમાં રહેતા સુજીતના સંપર્કમાં આવી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. અમદાવાદના સુજીત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી કેરોલ ગેરકાયદેસર રીતે ભારતમાં આવી ગઈ હતી. તે પોતાના બંને બાળકો સાથે સુજીતની મદદથી પાકિસ્તાનથી નેપાળ ગઈ અને ત્યારબાદ તે નેપાળથી ગુજરાત પહોંચી હતી. બંને એ 2018માં કચ્છ ખાતે લગ્ન કર્યા હતા અને અમદાવાદના નવરંગપુરામાં રહેતા હતા.

પરંતુ આ પ્રેમ કહાણીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સુજીતને કોરોના થયો અને તેનું મોત નિપજ્યું. કેરોલ ભારતમાં આવી ત્યારે તેના પૂર્વ લગ્નથી થયેલાં 2 બાળકો લઈને આવી હતી. તેના પાકિસ્તાનમાં પહેલા લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. બીજી તરફ સુજીતના પણ છુટાછેડા થઈ ગયા હતા. તેને પણ એક દીકરી હતી. સુજીતનું 21 સપ્ટેમ્બરે કોરોનાથી મોત થયું. જે બાદ સુજીતના પહેલા લગ્નનાં સાળાએ પોતાની ભાણેજને મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આટલું જ નહીં તેણે સીઆઈડી ક્રાઈમ ગૃહ વિભાગમાં પણ અરજી કરીને જાણ કરી હતી કે કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે ભારતમાં વસવાટ કરે છે. તેની ભાણેજ તેની સાથે છે અને તેનો કબ્જો મેળવવો છે.

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ એટીએસએ તપાસ કરી અને એસઓજીને ફરિયાદ દાખલ કરી કેરોલની પૂછપરછ હાથ ધરી હતી. કેરોલના નકલી દસ્તાવેજ અંગે પૂછતા તે સુજીત માથે દોષનો ટોપલો ઢોળી રહી છે. હવે સુજીતનું મોત થઈ ચૂક્યું છે. જેથી પોલીસને એ દિશામાં તપાસ કરવામાં જહેમત ઉઠાવવી પડી રહી છે. પોલીસે કેરોલની ધરપકડ કરી ઘરની તપાસ કરતા 3 લોકર મળી આવ્યા હતા. હવે કેરોલ ભારતમાં રહીને જાસૂસી કરતી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે.

પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ કેરોલના પિતા પાકિસ્તાનમાં સરકાર કર્મચારી હતા પણ કેરોલને તેમણે અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. જે બાદ તેના પ્રથમ લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. અને બાદમાં તે ભારતમાં રહેતા યુવક સાથે પ્રેમમાં પડી અને અહીં આવી ગઈ, જોકે હવે આગળની જિંદગી જેલમાં ગુજારવી પડશે.

Read Next Story