એપશહેર

પીરાણામાંથી નીકળતો ઝેરી ધુમાડો 12 કિલોમીટર સુધી ફેલાઈ શકે, શ્વસનતંત્ર માટે હાનિકારક

પીરાણા પાસેથી પસાર થઈએ ત્યારે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને તેમાંથી નીકળતા ઝેરી ધુમાડા શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓનું કારણ બની શકે છે.

TNN 11 Oct 2020, 9:24 am
અમદાવાદ: પીરણા ડમ્પિંગ સાઈટમાંથી નીકળતા હાનિકારક ધુમાડા 12 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ શકે છે. ડિસ્પર્શન મોડલ મુજબ, આંબાવાડી, પાલડી, નવરંગપુરા, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને બોડકદેવ જેવા વિસ્તારોના આકાશમાં આ ઝેરી વાદળો આવી શકે છે. પીરણામાં બાળવામાં આવતા કચરામાંથી મિથેન ઉપરાંત વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (એવા પદાર્થો જે સામાન્ય તાપમાને પણ હવામાં ભળીને પ્રદૂષણ બને છે), ઝેરી ગેસ નીકળે છે. આ ગેસના કારણે કેન્સર, હૃદય અને શ્વસનની બીમારીઓ થઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરિ, ગાંધીનગર IIT, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી, પૂણેની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિઅરૉલજિ અને દિલ્હીની એમિટી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સ્ટડી હાથ ધર્યું હતું.
I am Gujarat pirana fumes


2017 બાદ પહેલીવાર તેમણે પીરણામાંથી ફેલાયેલા 20 નોન-મિથેન VOC (વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ) માપ્યા. આ ધુમાડાની અસર રાણીપ, મોટેરા, સાબરમતી અને પશ્ચિમ અમદાવાદના આસપાસના વિસ્તારો તેમજ પૂર્વમાં હાથીજણ, વટવા, વસ્ત્રાલ, મણીનગર, ઈસનપુર અને બાપુનગર જેવા દૂરના વિસ્તારો સુધી જોવા મળી હતી. મે 2017માં ડિસ્પર્શન મોડલ દ્વારા જોવા મળ્યું હતું કે, કઠલાલ અને ખેડા સુધીના વિસ્તારો સુધી ગૂંગળાવી નાખતી બાષ્પ જોવા મળી હતી.

આ ગેસમાં આઈસોપ્રિન, બેન્ઝિન, cis-2-બ્યુટેન, પ્રોપિલિન, મેટા-ઝાયલિન, ઈથેલિન અને ટ્રાન્સ-ટુ-બ્યુટેન રહેલા છે. જે પીરાણામાંથી નીકળતા 20 નોન-મિથેન VOC ગેસમાં 72-75 ટકા હિસ્સો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ માપવા માટે GC-FDI (ગેસ ક્રોમેટોગ્રાફી-ફ્લેમ આયનાઈઝેશન ડિટેક્ટર)નો ઉપયોગ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ VOC પર બારીક નજર રાખવાની અપીલ કરી છે, જેથી શહેરી વિસ્તારોની હવા શુદ્ધ રાખવા નિયંત્રણો અને પોલીસી બનાવી શકાય. પરિણામે શ્વસનની તકલીફો ઓછી થાય.

વૈજ્ઞાનિકોએ પીરાણા સાઈટ, 500 મીટર અને 800 મીટરના વિસ્તાર બાદ ડમ્પિંગ સાઈટથી અઢી કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારોમાંથી સેમ્પલ લીધા હતા. ધુમાડો પવનની મૂળ દિશા અને તેની વિપરીત દિશા બંને બાજુથી માપવામાં આવ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે, પીરણામાંથી નીકળતા toluene-butane ગેસનું પ્રમાણ ત્યાંની આસપાસના 12 ટ્રાફિક જંક્શન કરતાં ત્રણ ગણું વધારે હતું. સ્ટડી મુજબ, "ઈન્ટનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અને યુએસના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ ડિપાર્ટમેન્ટના તારણ મુજબ બેન્ઝિન લોકોમાં કેન્સર પેદા કરી શકે છે."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો