એપશહેર

ગાંધીનગર: PM નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના 1.41 લાખ પરિવારોને મળશે ઘરનું ઘર

પીએમ મોદી વડોદરા ખાતે રૂ.21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

Edited byદીપક ભાટી | Agencies 15 Jun 2022, 9:11 pm
ગાંધીનગર: આગામી 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓ વડોદરા ખાતે રૂ.21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
I am Gujarat PM Modi Gujarat Visit
પ્રતિકાત્મક તસવીર


સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38,071નું લોકાર્પણ અને 2999 ઘરોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 3 લાખ 72 હજાર 865 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પૈકી 14 આદિવાસી જિલ્લાઓમાં જ સૌથી વધુ 2 લાખ 93 હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં 90 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસો બનાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ગુજરાતના શહેરો અને ગામડાઓને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજબી કિંમતે આવાસ પૂરા પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે 25 જૂન, 2015ના રોજ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ, રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબનો પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી 20 નવેમ્બર, 2016ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી. આજે રાજ્યના લાખો પરિવારો એવા છે કે જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પોતાના ઘરમાં રહેવાનું સુખ માણી રહ્યા છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story