એપશહેર

કોરોના રસીકરણના 28 દિવસ થયા, બીજો ડોઝ આપવા માટે તૈયારીઓનો પ્રારંભ

ગુજરાત સહિત દેશભરમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરીએ પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ પૂરા થયા છે. હવે બીજો ડોઝ અપાશે.

I am Gujarat 15 Feb 2021, 8:19 am

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
  • રવિવારે 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા હતા.
  • રાજ્યના 11 જિલ્લા એવા હતા જેમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vaccine dose
તસવીર સૌજન્ય- TOI
ગુજરાત સહિત દેશભરમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનને 28 દિવસ પૂરા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 11.23 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 11.23 લાખ લોકો પૈકી 7.92 લાખ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે. હવે પ્રથમ ડોઝ લેનારને 28 દિવસ પછી બીજો ડોઝ આપવાની તૈયારી શરૂ કરવા માટે દેશભરમાં નવો જથ્થો આવી રહ્યો છે.
ગુજરાતમાં આગામી સપ્તાહથી બીજા ડોઝ માટે અભિયાન શરૂ થશે. અત્યાર સુધીમાં રસી લેનાર વ્યક્તિઓમાં સામાન્ય સિવાય કોઈ ગંભીર પ્રકારની આડઅસરના કિસ્સા નોંધાયા નથી. કોરોનાના દર્દીઓની સારવાર કરતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના દર્દીઓ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ અને અન્ય કર્મચારીઓ, હોસ્પિટલના સફાઈકર્મીથી લઈને લેબોરેટરીના સ્ટાફને રસી આપવાની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. ગુજરાતમાં 3 લાખથી વધુ સ્ટાફને રસી આપવાનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી થયો હતો.

સામાન્ય હેલ્થ સ્ટાફને રસી પ્રત્યે ભરોસો બેસે તે માટે રસીકરણના પહેલા દિવસે અગ્રીમ હરોળના તબીબોએ પ્રથમ ડોઝ લીધો હતો. પંદર દિવસ બાદ ફ્રન્ટલાઈન વર્કર્સ એટલે કે, પોલીસ, મહેસૂલ, શહેરી વિકાસ હેઠળના મહાનગરપાલિકા, પાલિકા, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ માટે રસીકરણની શરૂઆત થઈ હતી.

રવિવારે પૂરા થયેલા 28મા દિવસે રાજ્યના 317 કેંદ્ર પરથી માત્ર 6983 લોકોએ રસી લીધી હતી. રસી લેનારા લોકોની સંખ્યા 7,91,602 પર પહોંચી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંક પ્રમાણે 11.23 લાખ લોકોને હવે બીજો ડોઝ આપવાનો છે. 28 દિવસ પછી રસીનો બીજો ડોઝ આપવો જરૂરી છે તેમ તબીબી ક્ષેત્રોના નિષ્ણાતોએ જણાવ્યું છે. આ ડોઝ સમયસર એ જ પદ્ધતિથી આપાવાની શરૂઆત થાય તે જરૂરી છે. પહેલા ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ અપાય તેના બે સપ્તાહ બાદ જે તે વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ વધવાની શરૂઆત થાય છે.

આ તરફ રાજ્યમાં કોરોનાનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે. રવિવારે 24 કલાકમાં રાજ્યમાં નવા 247 કેસ નોંધાયા હતા અને અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. રાજ્યના 11 જિલ્લા એવા છે જેમાં એક પણ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયો નથી.

Read Next Story