એપશહેર

આ રીતે ભણશે ગુજરાત? શિક્ષકો સામાજીક પ્રસંગોમાં એંઠવાડ થતો અટકાવવાનું પણ કામ કરશે!

નવરંગ સેન | I am Gujarat 20 Jan 2020, 12:24 pm
ગાંધીનગર: સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લખતા-વાંચતા પણ સરખું ન આવડતું હોવાના સમાચાર અવારનવાર આવતા રહે છે. ‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં શિક્ષણની ‘ગતિશીલતા’ પર મોટો પ્રશ્નાર્થ છે, ત્યારે શિક્ષકોને સરકારે હવે એક નવી જ જવાબદારી સોંપી તેમને બાળકો સાથે ગામના લોકોને પણ ‘સંસ્કારી’ બનાવવાનું ફરમાન કર્યું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને કહેવાયું છે કે શિક્ષકો ગામમાં થતાં પ્રસંગો દરમિયાન યોજાતા જમણવારમાં એંઠવાડ થતો અટકાવવાનું પણ કામ કરે. શિક્ષકોને ગામના લોકોને સમજાવવા ઉપરાંત વિદ્યાર્થીઓને ખોરાકનો બગાડ ન થાય તે અંગે ‘જ્ઞાન’ આપવા સૂચના અપાઈ છે. એટલું જ નહીં, તેમને એવી NGO શોધી લાવવા પણ જણાવ્યું છે કે જે વધેલું ભોજન ગરીબો સુધી પહોંચાડવાનું કામ કરતી હોય. સરકારી સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકોને આમેય ચૂંટણીની કામગીરી, મતદારયાદીમાં સુધારાવધારા, જાહેર કાર્યક્રમની વ્યવસ્થા ઉપરાંત ગામમાં સરકારી ગ્રાન્ટથી બનેલા ટોઈલેટ ગણવા, કોઈ ખૂલ્લામાં હાજતે જાય છે કે નહીં તે સહિતની અનેક કામગીરીઓ સોંપવામાં આવે છે. તાજેતરમાં જ બનાસકાંઠામાં તીડના ઝૂંડ આવ્યા હતા ત્યારે તેમને ભગાડવા પણ શિક્ષકોને જોતરી દેવાયા હતા. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રમાં કેન્દ્રના કન્ઝ્યુમર અફેર મંત્રાલય દ્વારા ગયા વર્ષે કરાયેલા આદેશને ટાંકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખોરાકનો બગાડ અટકાવવા માટે હોટેલો તેમજ પાર્ટીપ્લોટમાં વધી પડતી ખાદ્ય વસ્તુઓને એકત્ર કરીને તેને જરુરિયાતમંદો સુધી પહોંચાડવાનું કામ શહેરી વિસ્તારોમાં ઘણી એનજીઓ કરતી હોય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં આવી કામગીરી કરવા શિક્ષકોને જોતરવામાં આવવાથી શિક્ષણ સિવાયના અનેક કામોના બોજ હેઠળ દબાયેલા રહેતા શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો