એપશહેર

'ભંગાર રસ્તાના લીધે આબરુના ધજાગરા થઈ રહ્યા છે..' અધિકારીઓ પર ભડક્યા રુપાણી

નવરંગ સેન | I am Gujarat 10 Oct 2019, 11:44 am
ગાંધીનગર: ચોમાસામાં તૂટી-ફુટીને સાવ બિસ્માર થઈ ગયેલા રસ્તાની સીએમ રુપાણીએ ગંભીર નોંધ લીધી છે. ગઈકાલે મળેલી કેબિનેટ મિટિંગમાં રુપાણીએ સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓનો આ અંગે વારો લીધો હતો. સૂત્રોનું માનીએ તો રુપાણીએ ત્યાં સુધી કહી દીધું હતું કે ભંગાર રસ્તાના કારણે આબરુના કાંકરા થઈ રહ્યા છે. સીએમે માર્ગ અને મકાન વિભાગને 10 દિવસમાં તમામ તૂટેલા રસ્તા રિપેર કરી નાખવા પણ આદેશ આપ્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મહત્વનું છે કે, આ વખતે રાજ્યભરમાં સારો વરસાદ પડતાં લગભગ તમામ જિલ્લાના રસ્તા ધોવાઈ ગયા છે. અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં રસ્તામાં ઠેરઠેર ખાડા પડ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની હાલત તો તેનાથી પણ કફોડી છે. રાજ્યના સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પણ બળદગાડાની સ્પીડે વાહન ચલાવવા પડે તે હદે તૂટી ચૂક્યા છે. સૂત્રોનું માનીએ તો, માર્ગ મકાન વિભાગનો વારો લેતા સીએમે કહ્યું હતું કે, એક તરફ તમે પાંચ હજાર કિમીથી વધુની લંબાઈના રસ્તાના કામ થઈ ચૂક્યા છે તેમ કહો છો, પરંતુ રસ્તાઓ પર તો કામ થયેલું દેખાતું નથી. પબ્લિકને સારા રસ્તા બની ગયા છે તે દેખાત તે રીતે કામ કરો. સીએમે વધુ ટ્રાફિક ધરાવતા રસ્તા પર પહેલા કામ કરવા માટે પણ આદેશ આપ્યો હતો. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં રસ્તા બિસ્માર બન્યાની સૌથી વધુ ફરિયાદ આવી રહી છે, તેવું પણ સીએમે જણાવ્યું હતું. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સીએમને જ્યારે એમ કહેવાયું કે જે રસ્તા ધોવાઈ ગયા છે તે નેશનલ હાઈવે ઓથોરિટીના છે. આ વાત સાંભળતા જ સીએમ ફરી ગુસ્સે થયા હતા, અને કહ્યું હતું કે પબ્લિક થોડી જાણે છે કે કયો હાઈવે શેમાં આવે છે, આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ કોર્ડિનેશન કરી તાત્કાલિક રસ્તા સરખા કરાવો. ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ઠેરઠેર ગાબડાં પડ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં એક વાહનચાલકે ભંગાર રસ્તો હોવાથી ટોલ ટેક્સ આપવાનો ઈનકાર કરી દીધો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભંગાર રસ્તાઓનો મુદ્દો જોરદાર ગાજ્યો હતો, અને ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્રએ ભાજપને દોડતો કરી દીધો હતો. આ વખતે હવે છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માથે છે ત્યારે તૂટેલા-ફુટેલા રસ્તા સરકાર માટે ફરી માથાનો દુ:ખાવો બની રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો