એપશહેર

અ'વાદ: બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરનારા ચારને આજીવન કેદની સજા

વર્ષ 2018માં બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ થયું હતું. કોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો, કોર્ટે નોંધ્યું કે, આવી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે દોષિતોને કડક સજા ફટકારવી જરૂરી.

TNN & Agencies 30 Sep 2020, 10:32 am
અમદાવાદ: સિટી સેશન્સ કોર્ટે શહેર સ્થિત બિલ્ડરનું અપહરણ કરી 5 કરોડની ખંડણી માંગવાના ગુનામાં 4 દોષિતોને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે. અપરહણકારોએ વર્ષ 2018માં બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કર્યું હતું અને ખંડણીના રૂપિયા ચેકથી સ્વીકાર્યા હતા. હવે આ ચકચારી કેસમાં કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.
I am Gujarat 1
કોર્ટે 4 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી, એકને નિર્દોષ જાહેર કર્યો- 2018માં ઝડપાયા ત્યારની તસવીર


ચાર આરોપીઓને આજીવન કેદની સજા, એક નિર્દોષ જાહેર
નરોડા વિસ્તારમાંથી રજનીકાંત પટેલ નામના બિલ્ડરનું અપરહણ કરવા બદલ અનિકેતસિંગ પાલ, ભુપત રબારી, શ્રીકૃષ્ણા તોમર અને આનંદ તોમરને સેશન્સ જજ દ્વારા અપહરણ, ખંડણીની માંગ, ગુનાહિત કાવતરૂં અને રજનીકાંત પટેલ પર હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ભરત પટણીએ જણાવ્યું કે, કોર્ટે જુદા-જુદા ગુના બદલ દરેકને રૂપિયા 26000નો દંડ ફટકાર્યો છે. જોકે કોર્ટે એક આરોપી આકાશ પાલને તેની વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવવા માટે નિર્દોષ જાહેર કર્યો હતો.

કેવી રીતે થયું હતું અપહરણ?
ગેલેક્સી ગ્રુપ બિલ્ડર્સના ભાગીદાર રજનીકાંત પટેલનું નરોદા-દહેગામ રોડ પરથી તેમની પોતાની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને માઉન્ટ આબુ લઈ જવામાં આવ્યા અને તેને કેદ કરવામાં આવ્યા હતા. અપહરણકારોએ 5 કરોડની ખંડણી માંગવા માટે પટેલના ફોનનો ઉપયોગ કર્યો હતો. પટેલના પરિવારે તેમને કહ્યું હતું કે તેમની પાસે માત્ર 50 લાખ રૂપિયા છે. જોકે, પોલીસે પટેલના પરિવારના સભ્યોને અપહરણકારોને વાતચીતમાં ફસાવી રાખવા જણાવ્યું હતું. અંતે, અપહરણકર્તાઓએ પૈસા ચેકમાં લેવાની સંમતિ આપી. આ દરમિયાન પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને ગુજરાત પરત ફરતા તેઓને ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.

રાતોરાત પૈસાદાર બનવા કાવતરું ઘડ્યું
બાદમાં પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરીને જેલને હવાલે કર્યા હતા. કેસ કોર્ટમાં જતાં મંગળવારે ચાર દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે નોંધ્યું કે, આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે દોષિતોને કડક સજા આપવી જરૂરી છે. જણાવી દઈએ કે, આ કેસમાં દોષિત સાબિત થયેલો અનિકેત પાલ અપહરણ સમયે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને રાતોરાત પૈસાદાર બનવા માટે અન્ય ચાર લોકો સાથે રાખી અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો