એપશહેર

ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલો છોટા શકીલનો શાર્પશૂટર ઝડપાયો

રિલિફ રોડ પર આવેલી હોટેલમાં રોકાયેલા શાર્પશૂટરને પકડવા ગયેલી પોલીસ પર પણ થયું ફાયરિંગ

I am Gujarat 19 Aug 2020, 1:44 pm
અમદાવાદ: શહેરના રિલિફ રોડ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી દાઉદના રાઈટ હેન્ડ ગણાતા છોટા શકીલનો શાર્પશૂટર ઝડપાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ શાર્પશૂટર ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી આવ્યો હતો. તેને પકડવા માટે પહોંચેલી એટીએસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલ છે.
I am Gujarat sharpshooter of chhota shakil gang arrested from ahmedabad
ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલો છોટા શકીલનો શાર્પશૂટર ઝડપાયો


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટેલમાં બે શાર્પશૂટર રોકાયા હોવાની બાતમી મળતા ટીમ તેમને પકડવા માટે પહોંચી હતી. આ દરમિયાન સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક શાર્પશૂટર ભાગી જવામાં સફળ રહ્યો હતો, અને બીજો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પકડાયેલા શૂટર પાસેથી બે પિસ્તોલ મળી આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ટીવી રિપોર્ટ્સ અનુસાર, રિલિફ રોડ પર આવેલી વિનસ હોટેલમાં રોકાયેલા છોટા શકીલના શાર્પશૂટરને પકડવા માટે એટીએસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યે પહોંચી હતી. જો કે તે દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જવાબી કાર્યવાહી કરીને ફાયરિંગ કરનારા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપસામાં બહાર આવ્યું હતું કે આ શખ્સ ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યો હતો.

હાલ સીઆર પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે રહેલા ગોરધન ઝડફિયાએ આ મામલે જણાવ્યું હતું કે, નવસારી અને વલસાડના પ્રવાસ દરમિયાન તેમની રેકી થતી હોય તેવું લાગતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહનું આ મામલે તેમણે ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ ઝડફિયાની સિક્યોરિટી વધારવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 2002માં ગોધરાકાંડ થયો ત્યારે ગોરધન ઝડફિયા રાજ્યના ગૃહમંત્રી હતા.

ગોધરાકાંડ બાદ થયેલી વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સામે બળવો કરીને ગોરધન ઝડફિયાએ પોતાની અલગ પાર્ટી શરુ કરી હતી, અને ત્યારબાદ તેમણે કેશુભાઈ પટેલ સાથે જોડાણ કરી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે 2014ની લોકસભા ચૂંટણી વખતે તેઓ ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો