એપશહેર

ઝડફિયાની હત્યા કરવા આવેલો શાર્પશૂટર કોરોના પોઝિટિવ નીકળ્યો

રિલિફ રોડ પરની હોટેલ વિનસમાંથી પકડાયો હતો મુંબઈનો શાર્પશૂટર, તેના સંપર્કમાં આવેલા 30 લોકોના પણ ટેસ્ટ કરાયા

I am Gujarat 20 Aug 2020, 6:50 pm
અમદાવાદ: ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલો કહેવાતો શાર્પશૂટર કોરોના પોઝિટિવ નીકળ્યો છે. પોલીસે તેની ધરપકડ કરીને તેનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા હાલ આ શાર્પશૂટરને સિવિલ હોસ્પિટલના એક રુમમાં રાખવામાં આવશે. શૂટરને પકડનારા અને તેના સંપર્કમાં આવેલા 30 જેટલા લોકોનો પણ આજે ટેસ્ટ કરાયો છે, જે નેગેટિવ આવતા ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
I am Gujarat ATS


પ્રાપ્ત વિગતો અનુસાર, શાર્પશૂટરની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે તેમ પોલીસ સૂત્રોનું કહેવું છે. બીજી તરફ, જે હોટેલમાંથી શૂટર પકડાયો તેનો માલિક ગોરધન ઝડફિયાનો જૂનો મિત્ર હોવાના અહેવાલો અંગે પોલીસે જણાવ્યું હતું કે આ અંગે પોલીસને કોઈ માહિતી નથી, અને આ કેસ સાથે તેને કશીય લેવાદેવા પણ નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા બુધવારે વહેલી સવારે રિલિફ રોડ, વીજળી ઘર પાસે આવેલી હોટેલ વિનસમાંથી મુંબઈના ઈરફાન શેખની ધરપકડ કરાઈ હતી. આ શખ્સ ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યો હોવાનો એટીએસનો દાવો છે. એટીએસની ટીમ તેને પકડવા ગઈ ત્યારે તેણે બે રાઉન્ડ ફાયર પણ કર્યા હતા.

એટીએસના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરફાન શેખને દાઉદના ઈશારે ગેંગસ્ટર છોટા શકીલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું હતું કે ઈરફાન સાથે બીજો પણ એક વ્યક્તિ હતો, જેની હાલ શોધખોળ ચાલી રહી છે. ભાજપના અન્ય નેતાઓ પણ તેમના ટાર્ગેટ પર હતા, જો કે તેની યોગ્ય માહિતી સમગ્ર પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે.

Read Next Story