એપશહેર

કરોડોનું ટર્નઓવર કરતી કંપની લોકડાઉનમાં ખોટમાં જતાં સંચાલકે દારૂનો ધંધો શરૂ કર્યો

અમદાવાદમાં 8 કરોડનું ટર્નઓવર કરતી કંપની ખોટમાં જતાં સંયાલકે દારૂનો ધંધો શરૂ કર્યો, વલસાડ રૂરલ પોલીસે મહારાષ્ટ્રથી અમદાવાદ આવતા સમયે ધરપકડ કરી.

I am Gujarat 22 Sep 2020, 3:41 pm
અમદાવાદ/વલસાડ: વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત વિશ્વભરમાં લોકોને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં પણ મોટાભાગના લોકોએ આર્થિક ફટકો પડ્યો છે. જેથી કોઈએ ફરસાણ, શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે તો કોઈએ કાપડની દૂકાન ખોલી છે. ત્યારે અમદાવાદમાં કરોડોનું ટર્ન ઓવર કરતી કંપનીના એક સંચાલકે લોકડાઉનમાં ખોટ જતાં દારૂનો ધંધો શરૂ કર્યો. આ યુવક મુંબઈથી દારૂ લઈને અમદાવાદ આવતો હતો ત્યારે વલસાડ રૂરલ પોલીસે તેની કારમાંથી દારૂનો જથ્થો કબજે કરીને તેની ધરપકડ કરી છે.
I am Gujarat 13
આરોપી- રાહુલ દીપક શાહ


બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદના પીરાણામાં કંપની ચલાવતો રાહુલ દીપક શાહ મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી વિદેશી દારૂની ખેપ મારતા વલસાડ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. બાતમીના આધારે વલસાડ પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. આ દરમિયાન હાઇવે પર ગુંદલાવ બ્રિજ પાસેથી સ્પીડમાં પસાર થતી એક કારને પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

લોકડાઉનમાં ખોટ જતાં દારૂનો ધંધો શરૂ કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદમાં વર્ષે 8 કરોડનુ ટર્નઓવર કરતી એક કંપની લોકડાઉનમાં ઠપ્પ થઈ જતા કંપની સંચાલકે આખરે શોર્ટકટથી પૈસા કમાવવા દારૂનો ધંધો શરૂ કર્યો. આ યુવક કારમાં મહારાષ્ટ્રથી દારૂની 278 બોટલ લઈને અમદાવાદ આ‌વતો હતો ત્યારે પોલીસે તેની વલસાડ પાસેથી ધરપકડ કરી હતી. કાર ચાલક રાહુલ દીપક શાહને કુલ 4.27 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસ પૂછપરછ કરી હતી. જેમાં રાહુલ અમદાવાદમાં અનિશ ઓર્ગોનિક, લોખંડવાલા એસ્ટેટ, સના મસ્જિદ પીરાણા રોડ પરની કેમિકલ કંપનીનો સંચાલક હોવાનું જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્રથી દારૂ લાવીને છૂટક વેપાર કરતો
રાહુલે પોલીસને જણાવ્યાનુસાર કંપની નોટબંધી, GST અને કોરોના લોકડાઉનને કારણે સતત ખોટમાં ચાલતી હતી. અમદાવાદમાં મહારાષ્ટ્રના દારૂની માંગ વધારે હોવાથી મહારાષ્ટ્રથી દારૂ અમદાવાદ લાવીને છૂટક વેચાણ કરતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કંપનીનો સંચાલક રાહુલ દીપક શાહ અદાણી શાંતિગ્રામમાં રહે છે અને પીરાણા પાસે કેમિકલ કંપની ધરાવે છે.

જણાવી દઈએ કે, કોરોના કાળમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે. પરંતુ કેટલાક લોકો આત્મનિર્ભર બની રહ્યા છે જ્યારે કેટલાક લોકો બિઝનેસમાં દેવુ વધી જવાને કારણે શોર્ટકટથી પૈસા કમાવવા માટે આવી ગુનાહિત પ્રવૃતિઓમાં જોડાઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો