એપશહેર

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાસની પ્રેક્ટિકલ પરીક્ષાઓને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડને મહત્વની જાહેરાત કરી છે.

I am Gujarat 13 Jan 2021, 7:14 pm
અમદાવાદ: કોરોના મહામારીના કારણે લાંબો સમય સ્કૂલો બંધ રહ્યા બાદ હવે બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવાની તારીખ જાહેર કરી દીધી છે.
I am Gujarat School lab


શિક્ષણ બોર્ડના જણાવાયા મુજબ, ધોરણ 12 સાયન્સના કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા 30મી માર્ચ, 2021થી શરૂ થશે. આ પરીક્ષા જિલ્લાના નિયત થયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રોમાં બોર્ડ દ્વારા લેવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે. આ અંગે વિસ્તૃત માહિતી શિક્ષણ વિભાગ દ્વારા બાદમાં આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે.

જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે વર્ષ 2020ના માર્ચ મહિનાથી સ્કૂલો બંધ હતી. જોકે, હવે કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને ધોરણ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા આ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો 11 જાન્યુઆરીથી ફરી શરૂ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો.

શિક્ષણ બોર્ડે એસઓપીનો અમલ કરીને સ્કૂલો ખોલવાનો આદેશ આપ્યો હતો. જે મુજબ ક્લાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે અને જો ક્લાસ નાનો હોય તો કમ્પ્યૂટર હોલ, લાઈબ્રેરી અને લેબનો ઉપયોગ ક્લાસ તરીકે કરવાનો રહેશે. તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સ્કેનિંગ કર્યા બાદ જ સ્કૂલમાં પ્રવેશ અપાશે. આ ઉપરાંત સ્કૂલમાં ફરજિયાત માસ્ક અથવા ફેસ કવર પહેરીને રાખવું પડશે. વિદ્યાર્થીઓએ પાણીની બોટલ અને નાસ્તો ઘરેથી લાવવાનો રહેશે અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આ વસ્તુઓ વહેંચી શકશે નહીં.

આ ઉપરાંત શાળામાં થર્મલ ગન, કીટાણુંનાશક તેમજ સાબુની સુવિધા ઉપલબ્ધ કરાવાની રહેશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવવા માટે માતાપિતા કે વાલીની લેખિત મંજૂરી લેવાની રહેશે. શાળાની નજીકના સ્થળે ડૉક્ટર ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરાવાની રહેશે, વગેરે નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો