એપશહેર

રખડતા ઢોર પકડવામાં પણ સેટિંગ: ગાંધીનગર મનપાના બે કોન્ટ્રાક્ટ કર્મીઓ 15 હજારની લાંચ લેતા ઝડપાયા

હાઈકોર્ટે રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસ મામલે આકરું વલણ અપનાવતા રાજ્ય સરકારે આ સમસ્યા નિવારવા માટે પગલાં ભરવા પડ્યાં છે. ત્યારે બીજી તરફ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા કેટલાક કર્મચારીઓ લાંચ લઈને ઢોર પકડવા કોર્પોરેશનની ગાડી આવે તે પહેલા પશુપાલકોને જાણ કરી દેતા હોવાનો મામલો સામે આવ્યો છે. એસીબીએ ગાંધીનગર કોર્પોરેશનની ઢોર પકડવાના વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા બે કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 25 Aug 2022, 7:48 pm

હાઈલાઈટ્સ:

  • એસીબીએ છટકું ગોઠવી ગાંધીનગર મનપાના ઢોર પકડવાના વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને ઝડપી લીધા.
  • આ બે કર્મચારીઓએ પશુપાલકોને ઢોર પકડવા આવતા હોવાની અગાઉથી જાણ કરવા માટે લાંચ માગી હતી.
  • અગાઉથી જાણ કરવા માટે પાંચ પશુપાલકો પાસે આ બે કર્મચારીઓએ કુલ 15 હજાર રૂપિયાની માગણી કરી હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Gandhinagar corporation cattle catcher party
રખડતા ઢોર પકડવા જતા પહેલા પશુપાલકોને જાણ કરી દેવા માટે લાંચની માગણી કરનારા ગાંધીનગર કોર્પોરેશનની ઢોરપાર્ટીના બે કોન્ટ્રાક્ટ કર્મીઓ મનોજ ઉર્ફે બબલુ ઠાકોર અને ડ્રાઈવર બંટી વાઘેલાની એસીબીએ ધરપકડ કરી.
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસ સામે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. જેને પગલે રાજ્ય સરકારે ગઈકાલે જ તેને લઈને કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. ત્યારે, ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ અને પશુઓના માલિકો વચ્ચેની સાંઠગાંઠની સાબિતી આપતી ઘટના સામે આવી છે. ગાંધીનગર મનપાના બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની રખડતા ઢોર નહીં પકડવા માટે લાંચ માગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ગોઠવેલા છટકામાં ગાંધીનગર મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા બે કર્મચારીઓ 15 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એનિમલ કેચર મનોજકુમાર ઉર્ફે બબલુ ઠાકોર અને ડ્રાઈવર બન્ટી વાઘેલાને 15 હજારની લાંચ લેતા ઝડપી લેવાયા છે.
અમદાવાદના રસ્તાઓ પરથી સોમવાર સુધીમાં રખડતા ઢોરો દૂર થઈ જશે, ગુજરાત સરકારે હાઈકોર્ટને આપી ખાતરી
એક પશુપાલકે એસીબીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે તે અને અન્ય ચાર લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. ઢોર પકડવાની કામગીરી કરતા ગાંધીનગર મનપાના કોન્ટ્રાક્ટ પરના આ બે કર્મચારીઓ રખડતા પશુઓ પકડવા માટે ગાડી લઈને નીકળે તે પહેલા અગાઉથી જાણ કરવા માટે પશુપાલક દીઠ 3 હજાર રૂપિયા એમ પાંચ પશુપાલકોના કુલ 5 હજાર રૂપિયા માગ્યા હતા. આ ફરિયાદના આધારે એસીબીએ આ કર્મચારીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું અને બંનેને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.
રખડતા ઢોરોનો આતંક: પોરબંદરમાં CM ભૂપેન્દ્ર પટેલની તિરંગા રેલી અને કોન્વેમાં આખલા ઘૂસી જતા દોડધામ
ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓ મામલે હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, જો તમારાથી ન થઈ શકતું હોય તો પછી હાઈકોર્ટે પગલાં લેવા પડશે. હાઈકોર્ટના આકરા વલણને જોતાં રાજ્ય સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો કે, બધી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવાશે અને તેમાં જે પશુપાલકો પાસે તેમના પશુઓ મૂકવાની જગ્યા ન હોય તે પોતાના પશુઓ મફતમાં મૂકી શકશે. આ ઉપરાંત રાજ્ય સરકારે પશુઓના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપવાની પણ વાત કરી હતી. સાથે જ રાજ્ય સરકારે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, અમદાવાદના રસ્તાઓ પરથી સોમવાર સુધીમાં રખડતા પશુઓ દૂર કરી દેવાશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, કે રખડતા પશુઓ પકડાશે તો તેના માલિક સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવશે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story