એપશહેર

મગજના બ્લોકેજની સર્જરીનું USના ડોક્ટરો સમક્ષ લાઈવ ટેલિકાસ્ટ

I am Gujarat 8 Jul 2016, 12:26 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat us 4
મગજના બ્લોકેજની સર્જરીનું USના ડોક્ટરો સમક્ષ લાઈવ ટેલિકાસ્ટ


– ડાયાબિટીસ, ધુમ્રપાન, ઓબેસિટી અને હાઈકોલેસ્ટ્રોલના કારણે હૃદય સહિત મગજની ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે. શહેરના એક 60 વર્ષીય દર્દીને મગજની બંને મુખ્ય ધમનીઓમાં 95 ટકા અને 80 ટકા બ્લોકેજ હતું. આ ઉપરાંત હૃદયની ત્રણેય ધમનીઓમાં પણ 80 ટકા ઉપર બ્લોકેજ હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. મગજની નળીઓમાં બ્લોકેજ હોવાને કારણે દર્દીને છેલ્લા 20 દિવસથી લકવાની અસર હતી. શહેરના બે ડૉક્ટરે આ દર્દીના મગજ સુધી શુદ્ધ લોહી પહોંચાડતી ધમનીઓમાં રહેલા બ્લોકેજને દૂર કરી સ્ટેન્ટ મુકવામાં સફળતા મેળવી હતી. આ ઓપરેશનનું અમેરિકાના ફ્લોરિડા ખાતે ઉપસ્થિત 750 જેટલા ઈન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કેરોટેડ એન્જીઓપ્લાસ્ટિના શોધક ડૉ. ગેરી પણ ખાસ હાજર રહ્યા હતા. પહેલી જુલાઈએ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમેરિકામાં કાર્ડિઓવાસ્ક્યુલર સંબંધિત જટીલ ઓપરેશન માટે દર વર્ષે કોન્ફરન્સ યોજાતી હોય છે. આ કોન્ફરન્સમાં વિશ્વ સ્તરે રેર ઓપરેશન્સનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. આ જટીલ ઓપરેશન પાર પાડનાર યુ.એન.મહેતા હોસ્પિટલના ઈન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ ડૉ. તરૂણ મદાને કહ્યું કે, અમારા માટે આ દર્દીનું ઓપરેશન ખૂબ ચેલેન્જિંગ હતું અને તેમાય કેરોટેડ એન્જિયોપ્લાસ્ટિના શોધક ડૉ. ગેરી સહિત વિશ્વના એક્સપર્ટ કાર્ડિઓલોજિસ્ટની હાજરીમાં ઓપરેશન કરવું તે અમારા માટે પડકારરૂપ હતું. દર્દીની બંને કેરોટેડ આર્ટરી 95 ટકા સુધી બ્લોકેજ હોવાથી તેને દૂર કરવામાં ઓપરેશન ટેબલ પર કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘણી હતી. મગજ અને હૃદયના બ્લોકેજ સાથે ખોલવામાં દર્દીને લકવાની શકયતા વધી જાય છે. તે નિવારવા માટે દર્દીનું આગામી 15 દિવસમાં હૃદયમાં સ્ટેન્ટ મુકવામાં આવશે. ડૉ. તરૂણ મદાનની સાથે ઈન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ ડૉ. જય શાહ પણ ઓપરેશનમાં હાજર હતા તેમણે કહ્યું કે, બ્રેન સ્ટ્રોક આવે તે પહેલા દર્દીને વોર્નિંગ સિગ્નલ્સ મળતા હોય છે. જેને TIA (ટ્રાન્ઝિયન્ટ ઈસ્મેમિક એટેક) તરીકે ઓળખવામાં આવે છે. આવા દર્દીને તાત્કાલીક સારવાર આપવામાં ન આવે તો કાયમી લકવાના શિકાર બની શકે છે. એક વખત લકવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારબાદ તે સ્થિતિને રિવર્સ કરવી મુશ્કેલ બનતી હોય છે. આ દર્દીને મગજ તરફ જતી બે ધમની સહિત હૃદયની ધમનીમાં ત્રણ અને જમણા હાથમાં એક જગ્યા પર બ્લોકેજ હતું. બંને માંથી કોઈ એક કેરોટેડ આર્ટરીમાં બ્લોકેજ હોય તો ઓછી મુશ્કેલીએ દર્દીનું બ્લોકેજ દૂર કરી શકાય છે, પણ જ્યારે બંને આર્ટરીમાં બ્લોકેજ હોય ત્યારે દર્દી માટે જોખમ ભરી સ્થિતિ ઊભી થતી હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો