એપશહેર

"રસી નહીં શોધાય ત્યાં સુધી અમે તો બાળકોને સ્કૂલે નહીં જ મોકલીએ"

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનો ઈનકાર કરી રહ્યા છે.

I am Gujarat 19 Nov 2020, 3:27 pm
ગાંધીનગરઃ લોકડાઉન દરમિયાન કોરોનાનો જે હાઉ હતો તેમાં ઘણો ઘટાડો થયો છે તો બીજી તરફ દિવાળીના તહેવારથી જ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી અઠવાડિયાથી 9-12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખુલી રહી છે પરંતુ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં વાલીઓ એવી દલીલ કરી રહ્યા છે કે જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી સ્કૂલો શરુ ના થવી જોઈએ. એક તરફ ડૉક્ટરો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા સ્કૂલો ખોલવા અંગેની જે ગાઈડલાઈન જાહેર કરી છે તેને લઈને વાલીઓ અને શિક્ષકો મુઝવણમાં દેખાઈ રહ્યા છે. તેમનું માનવું છે કે જો ડૉક્ટરો કોરોનાને લઈને ગંભીર હોય તો સરકારે ખોટી ઉતાવળ ના કરવી જોઈએ.
I am Gujarat we are not ready to send our children at school before vaccination
"રસી નહીં શોધાય ત્યાં સુધી અમે તો બાળકોને સ્કૂલે નહીં જ મોકલીએ"


આ તરફ વડોદરામાં વાલી મંડળ દ્વારા કોરોનાના ગંભીર સમયમાં શાળાઓ ખોલવામાં આવી તો આંદોલન કરીને તેને બંધ કરાવીશું તેવી ચિમકી ઉચ્ચારી છે. તેમનું માનવું છે કે આવા ગંભીર સમયમાં બાળકો સ્કૂલે જાય તો તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. આજ રીતે અમદાવાદ, ગાંધીનગર અને અન્ય શહેરોના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા કે કેમ તેને લઈને મુઝવણમાં છે.

વાલીઓ એવો પણ તર્ક રજૂ કરી રહ્યા છે કે જો બાળકો માટે કોરોનાનો ખતરો ના હોય પણ તેઓ બહાર જતા થાય અને પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવે તો તે પરિવારના અન્ય સભ્યો માટે જોખમી સાબિત થઈ શકે છે. આવામાં સ્કૂલો ખોલવાનું હાલ પૂરતું સરકારે ટાળવું જોઈએ.

ગાંધીનગરના ધોરણ-10માં અભ્યાસ કરતા દિવ્યાંગના પિતા મનિષ યાજ્ઞિક સાથે અમે વાત કરી તો તેમણે જણાવ્યું કે, "અમારા માટે દીકરાની ડિગ્રી કરતા તેનું જીવન વધારે વહાલું છે, સરકાર પોતાના ફાયદા માટે આવા કપરા સમયમાં સ્કૂલો ખોલાવાનો નિર્ણય લઈ રહી છે. અમે બાળકો ઘરે ભણી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે હું તેને સ્કૂલે મોકલવા માટે સહમતી નહીં આપું." મનિષ યાજ્ઞિકે આગળ એ પણ જણાવ્યું કે, "જ્યારે એક વયસ્ક ઉંમરે હું પોતે કોરોનાથી બચવા માટે ઘણી કાળજી રાખું છું છતાં ક્યાંક ભૂલ થઈ જતી હોય છે આવા સમયે બાળકોને એકલા બહાર મોકલવા તૈયાર નથી."

અન્ય એક વાલી વિજય પનાગરે જણાવ્યું કે, "દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થયો છે આવામાં બાળકોને સ્કૂલે મોકલવા જોખમી છે. માટે શાળાઓ દ્વારા કોરોનાના કેસમાં ઘટાડો થાય તેની રાહ જોવી જોઈએ." તેમણે એ પણ જણાવ્યું કે, "વિદેશમાં તથા ભારતમાં કોરોનાની રસી પર મહત્વના રિસર્ચ ચાલી રહ્યા છે ત્યારે વાયરસ સામે લડવા માટેની રસી તૈયાર થઈ જાય ત્યાં સુધી સરકારે રાહ જોવી જોઈએ."

અન્ય એક વાલીએ નામ ન જણાવાની શકતે કહ્યું કે, "અમે તો બાળક સારી રીતે ઓનલાઈન ભણી શકે તે માટેના તમામ સાધનોની વ્યવસ્થા કરી દીધી છે. અમે બાળકને સ્કૂલે મોકલવા અંગે જાન્યુઆરી પછી જ વિચારીશું. હાલ અમે બાળકને સ્કૂલે મોકલવા માટે તૈયાર નથી."

સરકારે ગાઈડલાઈન્સ તૈયાર કરી છે પરંતુ હરિયાણા અને ઉત્તરાખંડમાં સ્કૂલો ખોલવાની સાથે મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ શકે છે તેવી ચિંતા પણ વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Read Next Story