એપશહેર

દેહવેપારના લીધે કુખ્યાત બનેલું બનાસકાંઠાનું એ ગામ જ્યાં ચૂંટણીપંચના અધિકારીઓ કે નેતાઓ પણ પગ મૂકતા નથી

Vadiya Village Of Gujarat: ગુજરાતનું એક એવું ગામ કે જે દેહવેપારના કારણે પંકાયેલું છે, આ ગામના લોકોનું ગુજરાન દેહવેપાર પર ચાલતું હોવાની બાબતથી કુખ્યાત બની ગયું છે. ગામની જે ઓળખ ઉભી થઈ છે તેના કારણે આ ગામમાં કોઈ સરકારી અધિકારી, રાજકીય નેતાઓ કે ચૂંટણીપંચના અધિકારીઓ પણ પગ મૂકતા નથી. ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી.

Edited byTejas Jingar | Authored byBharat Yagnik | TNN 29 Nov 2022, 9:29 am
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રારંભ થાય તેને હવે ગણતરીના કલાકો બાકી છે અને આગામી 10 દિવસની અંદર પરિણામો પણ જાહેર થઈ જશે. ચૂંટણીપંચ દ્વારા 3 નવેમ્બરે જ્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી ત્યારે રેડ લાઈટ વિસ્તારમાં પણ જાગૃકતા ફેલાવાની વાત કરી હતી. જોકે, બનાસકાંઠાના થરાદ તાલુકાનું વાડિયા ગામ સેક્સ વર્કર્સના નામે કુખ્યાત છે. વાત એવી સામે આવી રહી છે કે ચૂંટણીપંચના અધિકારીઓ અને રાજકીય પક્ષો પણ આ ગામથી અંતર રાખે છે. થરાદ બેઠક પરથી કોંગ્રેસના હાલના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની સામે પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.
I am Gujarat Vadiya Village
બનાસકાંઠાનું વાડિયા ગામ


વાડિયા ગામની વસ્તી લગભગ 700 જેટલી છે જેમાં 50 પરિવારો રહે છે અને તેઓ દેહવેપાર પર નિર્ભર છે. અહીંની પ્રથાનો અંત લાવવા માટે ઘણાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ તે અસફળ રહ્યા છે. આ ગામના 30 વર્ષના દિનેશ સરાનિયાએ જણાવ્યું કે આ માત્ર આ ચૂંટણી દરમિયાન જોવા મળતી ઉદાસીનતા નથી. અગાઉની ચૂંટણીમાં પણ અમારી અવગણના કરાઈ હતી. અમારી આસપાસના ગામોમાં ચૂંટણી પ્રચારના ઢોલ, લાઈડસ્પીકર અને સૂત્રોચ્ચાર સંભળાય છે પરંતુ કોઈ ઉમેદવાર અમારા ગામમાં આવતા નથી.

દિનેશે આ ગામની કેટલીક સમસ્યાઓ અંગે વાત કરતા જણાવ્યું કે, તેમના મકાનોની તેમના નામે નોંધણી કરાયેલી નથી, જેથી તેમને સમાજ કલ્યાણની કેટલીક યોજનાઓનો લાભ મળતો નથી. દિનેશ કહે છે કે, "અમારા ગામમાં રસ્તા, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ નથી, કોઈ અમારી સમસ્યા અંગ બોલવા તૈયાર થતું નથી." દિનેશે એ ના જણાવ્યું કે તેઓ ગુજરાન ચલાવવા માટે શું કરે છે.

આ ગામમાં રહેતા શિક્ષક જણાવે છે કે, "આ ગામમાં સ્કૂલ માટે ઓરડાં નથી, બાળકો ખુલ્લામાં ભણે છે. આ ગામના નામે ઉભા થયેલા કલંકના કારણે સરકારી અધિકારી તેનાથી અંતર રાખે છે જેથી અહીંના લોકોને પ્રાથમિક મૂળભૂત જરુરિયાતો પૂર્ણ થતી નથી." શિક્ષકે વધુમાં જણાવ્યું કે સરકારી અધિકારીઓ, સાર્વજનિક સંસ્થાના પદાધિકારીઓ કે રાજકીય નેતાઓ આ ગામની મુલાકાત લેવાનું ટાળે છે.

વાડિયા અને વડગામડાનો સમૂહ પંચાયત દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે. સરપંચ જગદીશ અસલે જણાવ્યું કે તેઓ દરેક પાસે મતદાન ઓળખપત્ર છે કે નહીં તેની ખાતરી કરવા માટે વાડિયા ગામમાં ગયા હતા. સરપંચે જણાવ્યું કે, ગામના લોકોને મતદાન માટે વડગામડા જવું પડે છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સાથે આ મામલે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેઓ મળ્યા નહોતા.

Read Next Story