એપશહેર

કિંજલ દવે ફરી વિવાદમાં: ઈડરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતાં ફરિયાદ

ઈડરમાં સિંગર કિંજલ દવે અને આયોજકો સામે ફરિયાદ નોંધાઈ, સ્ટેજ શો માટે નહોતી લેવાઈ પરવાનગી

Agencies 17 Feb 2021, 4:49 pm

હાઈલાઈટ્સ:

  • ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે ફરી વિવાદમાં
  • ઈડરમાં કિંજલે કોરોનાના નિયમોનું ઉલ્લઘંન કર્યું
  • શું કિંજલ દવે અને આયોજકોને કોરોના નથી નડતો?
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 13
કિંજલ દવેની ફાઈલ તસવીર
ઈડર: ગુજરાતી સિંગર કિંજલ દવે ફરી વિવાદોમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ઈડરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ઈડરમાં મંજૂરી વિના એક સ્ટેજ શો યોજવામાં આવ્યો હતો. જેમાં કિંજલ દવેની પરફોર્મન્સ દરમિયાન સેંકડોની સંખ્યામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર નાચતા નજરે પડ્યા હતા. જણાવી દઈએ કે, અગાઉ પણ કિંજલ દવે ઘણીવાર વિવાદમાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઈડરમાં પરવાનગી લીધા વગર એક સ્ટેજ શો યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લોકો કોરોના મહામારીને ભૂલીને નિયમોના લીરેલીરા ઉડાવ્યા. સ્ટેજ શોની જાણ થતાં જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કિંજલ દવે તેમજ સ્ટેજ શોના આયોજકો સામે ફરિયાદ નોંધી હતી. જો કે, સૌથી મોટો સવાલ એ છે કે, શું પોલીસ માત્ર ફરિયાદ નોંધીને સંતોષ માની લેશે કે, પછી કિંજલ દવે સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે?

સેંકડોની સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા
મળતી માહિતી મુજબ સ્ટેજ શો દરમિયાન કિંજલ દવેના ગીતો પર લોકોના ટોળેને ટોળા વળ્યા હતા. જણાવી દઈએ કે, સરકાર જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ટકોર કરી રહી છે. ત્યારે આવા કાર્યક્રમો યોજીને હજારો લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે.

શું કિંજલ દવેને નથી નડતો કોરોના?
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હજુ મહામારીનો ખતરો ટળ્યો નથી. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે ત્યારે આવી કાર્યક્રમો દ્વારા મહામારી વધુ ફેલાઈ શકે છે. કોરોના મહામારીમાં સ્ટેજ શો યોજવો કેટલો યોગ્ય? શું કિંજલ દવે અને આયોજકોને કોરોના નથી નડતો?

પહેલા પણ બની હતી આવી ઘટના
અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ ધારાસભ્ય શશિકાંત પડ્યા સાથે ગુજરાતની લોકગાયિકા કિંજલ દવેને ઘોડા પર બેસાડીને ડીજે સાથે ગામમાં ફેરવવામાં આવ્યા હતા. ત્યારે પંડ્યા સાથે આવેલી કિંજલને જોવા માટે સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન જાણે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારબાદ માનવ અધિકાર આયોગમાં શશિકાંત પડ્યા અને કિંજલ દવે સામે ફરિયાદ નોંધાઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો