એપશહેર

પાલનપુરઃ તબીબે વાહવાહી માટે ઓપરેશનના ફોટો વાઈરલ કર્યા, 24 કલાકમાં જ મહિલાનું મોત

I am Gujarat 26 Dec 2020, 2:01 pm
પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી છે. પાલનપુરની સિવિલમાં એક ડોક્ટરે મહિલાના ગર્ભાશયનું ઓપરેશન કરીને બાદમાં વાહવાહી મેળવવા માટે ઓપરેશનના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જોકે ઓપરેશનના 24 કલાકમાં જ મહિલાનું નિધન થયું હતું. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને તપાસ કરવાની સૂચના આપી છે.
I am Gujarat hos 3


ઘટનાની વિગતો મુજબ, દાંતા તાલુકાના કાંસા ગામમાં રહેતી 25 વર્ષીય મહિલાને પેટમાં દુ:ખાવો ઉપડતા પાલનપુર સિવિલમાં તપાસ માટે લવાઈ હતી. અહીં બાળક પેટની અંદર મૃત હોવાનું અને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાને અમદાવાદ લાવવાનું નક્કી કરાયું પરંતુ રસ્તામાં તે મોત ભેટી જાય તેવી આશંકાને પગલે પ્રસુતા મહિલાનું ઓપરેશન પાલનપુરની સિવિલમાં હાથ ધરવામાં આવ્યું હતું. જોકે 24 કલાકમાં જ મહિલા મોતને ભેટી ગઈ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

તબીબોની ટીમમાં સામેલ ડોક્ટર રાહુલ પટેલે ચાલુ ઓપરેશનના ફોટા ફેસબુક પર મુકાતા હોબાળો મચી ગયો હતો. આ સાથે જ ડોક્ટરે લખ્યું હતું, 'ઈમરજન્સીમાં ગર્ભાશયની કોથળી ફાટી જતા દર્દી હોસ્પિટલમાં આવેલ, ગર્ભાશયની કોથળી કાઢી માતાની જિંદગી બચાવવામાં આવેલ...' આ પોસ્ટ મૂકવાની ઘટના સામે આવ્યા બાદ ડોક્ટ રાહુલ છેલ્લા બે દિવસોથી હોસ્પિટલ પણ નથી આવી રહ્યા તેવી માહિતી મળી રહી છે.

મહિલાના ઓપરેશન દરમિયાન બાળક 4-5 દિવસથી મૃત હોવાનું સામે આવ્યું હતું અને પેટની અંદરની દીવાલો નિર્જીવ બની ગઈ હતી. પેશાબની થેલી પણ તૂટી ગઈ હતી. શરીરના મોટા ભાગના સ્નાયુઓ તૂટી ગયા હતા. ઓપરેશન બાદ મહિલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને 24 કલાક બાદ તે મોતને ભેટી ગઈ હતી.

આ સમગ્ર મામલો રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યા ડૉ. રાજુલાબેન દેસાઈએ ખૂબ જ ગંભીરતાથી લીધો હતો. તેમને આ મુદ્દે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને એસ.પી તરુણ દુગ્ગલ સાથે વાતચીત કરી આ મામલાની ઊંડાણપૂર્વકની ન્યાયિક તપાસ કરવા આદેશ આપ્યા છે.

Read Next Story