એપશહેર

અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ વધતા દર્શનના સમયમાં વધારો કરાયો

મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખતા માતાજીના દર્શન માટેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર હવે ભક્તો માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

I am Gujarat 19 Oct 2020, 8:25 pm
અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રીમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે. હાલ અંબાજી મંદિરમાં દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એકબાજુ કોરોના વાયરસની મહામારીના કારણે ગરબાનું આયોજન બંધ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રીના પવિત્ર તહેવારમાં અંબાજી દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખતા માતાજીના દર્શન માટેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
I am Gujarat q11


અંબાજી મંદિર હવે ભક્તો માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. અગાઉ મંદિર રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેતું હતું. નવરાત્રી દરમિયાન ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતા ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરીને રાતના 11 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિર દ્વારા રજૂ કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7.30થી 11.45 વાગ્યા સુધી, ત્યારબાદ બપોરે 12.15થી 4.15 વાગ્યા સુધી અને સાંજે 7થી 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે અંબાજીમાં માતાજીની સવારની આરતી 7.00 વાગ્યાથી 7.30 અને સાંજની આરતી 6.30થી 7.00 વાગ્યે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in, ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

આ ઉપરાંત અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલ વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે ત્યારે સરકારની ગાઈડલાઈન અન્વયે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ સેનિટાઈઝેશનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને જિલ્લા વહિવટી તંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા કોવિડ-19 માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થા કરવા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો