એપશહેર

વલસાડ: કારમાંથી મળી કરોડોની ચાંદી, ચોરખાના જોઈ પોલીસની આંખો પણ થઈ ગઈ પહોળી

વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં બનાવેલા ચોરખાનામાંથી 173 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરી 3 શખસને કસ્ટડીમાં લીધા છે. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ભગાડી, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને અટકાવીને તપાસ કરતા બધા અધિકારીઓની આંખો પહોળી થઈ હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 24 Feb 2023, 5:54 pm

હાઈલાઈટ્સ:

  • વલસાડ રૂરલ પોલીસે કારમાંથી 173 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કર્યો
  • પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાર અટકાવી તપાસ કરતા ભાંડો ફૂટ્યો
  • 1 કરોડથી વધુની કિંમતની ચાંદી સાથે 3 શખસોની અટકાયત કરાઈ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Valsad
ચોર ખાનામાંથી 173 કિલો ચાંદી મળી (તસવીર-સોશિયલ મીડિયા)
વલસાડ: વલસાડમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી કરોડો રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના મળી આવતા ખભળાટ મચી ગયો છે. વલસાડ રૂરલ પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ ડ્રાઈવર સહિત કુલ 3 લોકોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં બનાવેલા ચોરખાનામાંથી 173 કિલો ચાંદીના પાયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ કરતી પોલીસને શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કારચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને અટકાવી તપાસ કરતા પાછળના ભાગે એક ચોરખાનું મળ્યું હતું. જેમાં ચાંદી ભરેલી 46 પ્લાસ્ટિકની બેગ મળી હતી. વજન કરતા 173 કિલોનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કર્યા બાદ આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ચાંદીનો જથ્થો કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવામાં આવી રહ્યો હતો. કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારનો પીછો કરીને ધમડાચી રામદેવ ધાબા પાસે આંતરીને તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તપાસ કરતા લોકવાળા ચોરખાનામાંથી પ્લાસ્ટિકની 46 બેગ મળી જેમાં ચાંદીના દાગીના હતા.

આ દરમિયાન પોલીસે કારમાં સવાર કારચાલક વિજય રામચંદ્ર પાટીલ, સંતોષ ગણપતિ અને સતીષ ગણપતિને બિલ અંગે પૂછપરછ કરતા તેઓ બતાવી શક્યા નહીં. જેથી પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગર નજીક લૂંટની ઘટના બની હતી. જેમાં અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ કરાઇ હોવાનું સામે આવ્યું હતું. કુરીયર કંપનીનું વાહન સાયલાથી દુર મોરવાડ ગામ પાસેથી મળી આવ્યું હતું. વાહનોમાં 3 કરોડથી વધુની ચાંદી હતી. રાજકોટથી કુરીયર કંપનીના વાહન દ્વારા ચાંદી સહિતનો કિંમતી સામાન અમદાવાદ લઇ જવામાં આવતો હતો. ત્યારે લૂંટારૂઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story