એપશહેર

કોંગ્રેસનો આક્ષેપ, સીઆર પાટીલની રેલીઓને કારણે સૌરાષ્ટ્રમાં કોરોના વકર્યો

પાટીલની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડેલા, માસ્ક વિના ભાજપના કાર્યકરો ગરબે ઘૂમતા પણ દેખાયેલા

Edited byનવરંગ સેન | Ahmedabad Mirror 10 Sep 2020, 6:18 pm
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડવાનું નામ નથી લઈ રહી, ત્યારે ગુજરાતના ભાજપના પ્રમુખે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કરેલી મોટી રેલીઓ ચર્ચાનો વિષય બની છે. પાટીલની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો છડેચોક ભંગ કરાયો હતો, અને ઘણા લોકો તો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીલનો પોતાનો પણ કોરોનાનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો છે, અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
I am Gujarat CR Paatil
પાટીલની ઉત્તર ગુજરાતમાં યોજાયેલી રેલીની એક તસવીર તેમના ફેસબુક પેજ પરથી સાભાર.


પાટીલે 18 ઓગષ્ટે સૌરાષ્ટ્રના પોતાના ચાર દિવસીય પ્રવાસની શરુઆત કરી હતી. તેમના સ્વાગતમાં અનેક સ્થળોએ ભાજપના કાર્યકરોએ માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગને કોરાણે મૂકી ગરબા પણ કર્યા હતા. ગીરથી શરુ કરીને પાટીલ સોમનાથ, જૂનાગઢ, ખોડલધામ થઈને રાજકોટ પહોંચ્યા હતા, અને ત્યાં તેમનો પ્રવાસ 22 ઓગષ્ટે પૂરો થયો હતો.

જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી જણાવે છે કે, પાટીલે હોદ્દો ગ્રહણ કર્યાના 52 દિવસ થયા છે, પરંતુ આ સમયગાળામાં તેઓ માત્ર પોતાની રેલીઓને કારણે જ ચર્ચામાં રહ્યા છે. કોરોનાકાળમાં સૌરાષ્ટ્રમાં યોજાયેલી પાટીલની આ રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પર ભાગ્યે જ કોઈ ધ્યાન અપાયું હતું. સૌરાષ્ટ્રમાં ભાજપના સેંકડો કાર્યકરો આ રેલીમાં જોડાયાં હતાં, અને માસ્ક પહેરીને ગરબા રમતા જોવા મળ્યા હતા.

રાજકોટના કોર્પોરેટર અતુલ રાજાણીનું કહેવું છે કે, પાટીલ રાજકોટથી વિદાય થયા ત્યારથી રાજકોટમાં કોરોનાના કેસ સતત વધ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે પાટીલ 22 ઓગસ્ટે રવાના થયા ત્યારે રાજકોટ શહેરમાં 64 કેસ સામે આવ્યા હતા, જ્યારે 35 જિલ્લામાં નોંધાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે 15થી 22 ઓગષ્ટ દરમિયાન રાજકોટ સિટીમાં રોજના 60-65 કેસો આવતા હતા. જો કે પાટીલનો કાર્યક્રમ પૂરો થયા બાદ શહેરમાં રોજેરોજ નોંધાતા કોરોનાના કેસોમાં 50 ટકાનો વધારો થયો છે. છઠ્ઠી સપ્ટેમ્બરે તો રાજકોટમાં 101 કેસ નોંધાયા હતા, અને 6થી 8 સપ્ટેમ્બરના ગાળામાં રોજના સરેરાશ 100 કેસો સામે આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈનો પણ દાવો છે કે 19 ઓગષ્ટે પાટીલ જુનાગઢમાં હતા ત્યારે કોરોનાના 20 કેસ સામે આવ્યા હતા. જે આંકડો 8 સપ્ટેમ્બરે વધીને સીધો 36 થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, કમલમમાં પણ એક સાથે છ લોકોનો કોરોનાનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવતા ભાજપે પોતાની ચિંતન શિબિર સહિતની તમામ ગતિવિધિઓને રવિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story