એપશહેર

ઓક્સિજન સપોર્ટ હટાવાતા દર્દીનું મોત, જામનગરની જીજી હોસ્પિ.માં જોરદાર બબાલ

મૃતકના દીકરાએ ઉતારેલા વિડીયોમાં હોસ્પિટલનો સ્ટાફ ઉપરથી ઓર્ડર આવતા ઓક્સિજન સપોર્ટ હટાવાયો હોવાની કબૂલાત કરતો જોવા મળ્યો

TNN 28 Apr 2021, 4:25 pm
રાજકોટ: જામનગરની જીજી હોસ્પિટલમાં એડમિટ મોરબીના એક કોરોના દર્દીનું મોત થયા બાદ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના સ્ટાફે મૃતકને અપાઈ રહેલો ઓક્સિજન સપોર્ટ હટાવી દેવાતા તેમનું મોત થયું હતું. મંગળવારની આ ઘટનામાં ડૉક્ટરો અને મૃતકના પરિવારજનો વચ્ચે થયેલી બબાલનો વિડીયો પણ વાયરલ થયો હતો.
I am Gujarat covid patient dies in gg hospital of jamnagar after oxygen supply allegedly snapped by staff
ઓક્સિજન સપોર્ટ હટાવાતા દર્દીનું મોત, જામનગરની જીજી હોસ્પિ.માં જોરદાર બબાલ



65 વર્ષીય છગનભાઈ ચારોળાનું જીજી હોસ્પિટલમાં મોત થયા બાદ તેમનો દીકરો અને પત્ની હોસ્પિટલના સ્ટાફ સાથે ઝઘડ્યા હતા. તેમણે ડૉક્ટરો પર ખૂલ્લો આક્ષેપ મૂક્યો હતો કે મૃતકનો ઓક્સિજન સપોર્ટ હટાવાઈ લેવાયો હતો. વિડીયોમાં દેખાતા ડૉક્ટર પણ આ વાતનો સ્વીકાર કરતાં નજરે પડે છે, અને જણાવે છે કે ઉપરથી આદેશ મળ્યા બાદ ઓક્સિજન સપોર્ટ કટ કરાયો હતો.

મૃતકના પત્ની લીલાબેન ચારોળાએ એક વિડીયોમાં જણાવ્યું હતું કે તેઓ ડૉક્ટર્સને કગરી રહ્યા હતા કે તેમના પતિનો ઓક્સિજન સપ્લાય હટાવવામાં ના આવે. તેઓ તેમના પગે પડી ગયા હતા. જોકે, ડૉક્ટરોએ એવો જવાબ આપ્યો હતો કે ઉપરથી ઓર્ડર આવ્યો હોવાથી ઓક્સિજન હટાવવો પડશે. તેમણે લીલાબેનની એક વાત ના સાંભળતા છગનભાઈનો ઓક્સિજન સપ્લાય હટાવી દીધો હતો.

'મારા માસીને દફનાવી આવ્યા છતા હોસ્પિટલના વેઇટિંગ લિસ્ટમાં બોલે છે તેમનું નામ'
મંગળવારે સવારે 10.30 કલાકે મૃતકનો ઓક્સિજન સપ્લાય હટાવી દેવામાં આવ્યો હતો, અને તે વખતે તેમના પત્ની પણ ત્યાં હાજર હતા. છગનભાઈના દીકરાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઓક્સિજન સપોર્ટ હટાવ્યા બાદ તેમના પિતા શ્વાસ નહોતા લઈ શકતા, અને થોડી મિનિટોમાં જ તેમનું મોત થયું હતું. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમની માતાની હાજરીમાં જ એક વ્યક્તિએ આવી અચાનક જ ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધો હતો.

છગનભાઈનો કોરોના રિપોર્ટ 10 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. તેમની તબિયત વધુ લથડતાં તેમને 14 એપ્રિલે જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ બાબતે જામનગર કલેક્ટર રવિ શંકરે દાવો કર્યો હતો કે પેશન્ટનો ઓક્સિજન સપોર્ટ હટાવાઈ દેવાયો હોવાના આક્ષેપ સદંતર ખોટા છે.

વેક્સિન લેવામાં મોડું કર્યું તો? એક્સપર્ટ્સે આપેલી આ ચેતવણી અવગણવા જેવી નથી
જામનગર કલેક્ટરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાથી કેટલાક દર્દીના પરિવારજનો સ્વૈચ્છિક રીતે નવા વોર્ડ્સમાં સેવા આપી રહ્યા છે. જોકે, રાત્રે તેઓ ઓક્સિજન સપ્લાય વધારી દે છે. કેટલાક લોકો એવું માને છે કે ઓક્સિજન સપ્લાય વધારવાથી દર્દી વહેલો સાજો થઈ જશે. જો કોઈ આવું કરે તો બીજા દર્દીને મળતો ઓક્સિજન ઘટી જતાં તે પરેશાન થઈ જાય છે. જેથી સ્ટાફ દર્દીની જરુરિયાત અનુસાર ઓક્સિજનને રેગ્યુલેટ કરતો હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો