એપશહેર

જામનગર નજીક આવેલી હોટલ એલેન્ટોમાં ભીષણ આગ, 27 લોકોને રેસ્ક્યુ કરાયા

જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે આવેલી હોટલ એલેન્ટામાં રક્ષાબંધનના દિવસે મોડી સાંજે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોત-જોતામાં આખી હોટલને ઝપેટમાં લઈ લીધી હતી. આગની જ્વાળાઓ ઘણે દૂરથી પણ જોઈ શકાતી હતી. આ આગમાં 27 લોકો ફસાયા હતા. જેમનું રેસ્ક્યુ કરી લેવાયું છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 11 Aug 2022, 11:37 pm

હાઈલાઈટ્સ:

  • આગ લાગી ત્યારે હોટલમાં 27 લોકો હતા, જેમને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા.
  • ત્રણ લોકો આગ જોઈ ગભરાઈ જતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
  • લગભગ બે કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવી શકાયો હતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
અમદાવાદ:
સૌરાષ્ટ્રના જામનગર નજીક આવેલી એક ખાનગી હોટલમાં રક્ષાબંધનની મોડી સાંજે ભયાનક આગ ફાટી નીકળી હતી. એ સમયે હોટલમાં 27 જેટલા લોકો હતા. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂરથી પણ જોઈ શકાતી હતી. આગને કાબુમાં લેવા રિલાયન્સ, જીએસએફસી અને જામનગર ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું. આ આગ શોર્ટ-સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે આવેલી હોટલ એલેન્ટામાં ગુરુવારે મોડી સાંજે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોત-જોતામાં આખી હોટલને ઝપેટમાં લઈ લીધી હતી. આગને ઓલવવા માટે રિલાયન્સ, જીએસએફસી અને જામનગર ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી. લગભગ બે કલાકની જહેમત પછી આગ કાબુમાં લઈ શકાઈ હતી. 10 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
આણંદના સોજીત્રા પાસે કાર, બાઈક અને રિક્ષા અથડાયાં, 6ના કમકમાટીભર્યા મોત
પોલીસના જણાવ્યા મુજબ, હોટલમાં કુલ 18 રૂમમાં 27 જેટલા લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરી લેવાયું હતું. જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. તેમના કહેવા મુજબ, ત્રણ લોકો આગને કારણે ગભરાઈ ગયા હોવાથી એ લોકોને હોસ્પિટલે લઈ જવાયા હતા. જોકે, એ ત્રણ લોકને પણ કોઈ પ્રકારની ઈજા થઈ નથી. એસપીએ જણાવ્યું કે, હોટલમાં કુલ 36 રૂમ છે અને તેમાંથી 18 રૂમમાં લોકો રોકાયેલા હતા. આગ લાગતા ફાયર એલાર્મ વાગ્યું હતું, જેથી બધા લોકો રૂમની બહાર દોડી આવ્યા હતા. બાદમાં એ બધાનું રેસ્ક્યુ કરી લેવાયું હતું.
હિંમતનગરઃ જમીનમાં જીવતી દાટી દેવાયેલી બાળકીએ અઠવાડિયાથી લાંબી સારવાર બાદ દમ તોડ્યો
આ આગને પગલે વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. આગ હોટલની આસપાસના વિસ્તારમાં ફેલાઈ હોત તો ઘણું મોટું નુકસાન થયું હોત. પરંતુ સદનસીબે એવું કંઈ થાય તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો