એપશહેર

જામનગર: ભૂ-માફીયા જયેશ પટેલના વિરોધી બિલ્ડર પર ગોળીબાર, એક ગોળી મોઢામાં ખૂંપી ગઈ

I am Gujarat 29 Jan 2021, 9:03 am
જામનગર શહેરમાં ફરી એક વખત ભૂ-માફીયા જયેશ પટેલ દ્વારા ખૌફનો માહોલ ફેલાવવામાં આવ્યો છે. ઈવા પાર્કની એક અબજના જમીન પ્રકરણમાં વધુ એક બિલ્ડર પર ગુરુવારે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતાં સનસનાટી મચી જવા પામી હતી. અગાઉ જયેશ પટેલે જેને પતાવી દેવાની ધમકી આપી હતી. તે જ બિલ્ડર ટીના પેઢલીયા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતાં એક ગોળી ટીનાભાઈના મોઢામાં ઘૂસી જતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવનાં પગલે પોલીસે નાકાબંધી કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.
I am Gujarat builder


ઘટનાની વિગતો મુજબ, જામનગરમાં ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ લાલપુર રોડ ઉપર રહેતા ટીનાભાઈ પેઢલીયા પોતાના ઘરેથી ઈવા પાર્ક ખાતેની સાઈટ ઉપર પહોંચ્યા હતા. ત્યારે ત્યાં પહેલાથી ઉપસ્થિત અજાણ્યા શખ્સોએ ટીનાભાઈ ઉપર ધડધડ ફાયરીંગ કરતાં નાશભાગ મચી જવા પામી હતી. આડેધડ ગોળીબારમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘૂસી જતાં તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બીજી તરફ અજાણ્યા શખ્સો ગોળીબાર કરીને નાશી છૂટ્યા હતા. સમગ્ર બનાવના પગલે એલસીબી, એસઓજી અને જીલ્લાભરની પોલીસે નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા તાજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જયેશ પટેલ પર વકીલ કિરીટ જોશીની હત્યા કરાવાયાનો આરોપ છે. જયેશ પટેલે ટીનાભાઈને ફોન કરીને જમીન પ્રકરણમાંથી હટી જવાની ધમકી આપીને વકીલ જેવી દશા થશે તેમ કહ્યું હતું. આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. જોકે તેમ છતાં અજાણ્યા શખ્સોએ ટીનાભાઈ પર ગોળીબાર કરતા જમીન પ્રકરણના મનદુઃખમાં જયેશ પટેલે હુમલો કરાવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જયેશ પટેલ પર વકીલની હત્યા, બિલ્ડર પર ફાયરીંગ તેમજ અબજોના કૌભાંડના ગુનાઓ ગુજસીટોક હેઠળ નોંધાયેલા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો