એપશહેર

રાજકોટ: 8 મહિનાથી બેરોજગાર યુવાનો ચોરીના રવાડે ચડ્યા, ત્રીજા પ્રયાસ પહેલા જ પોલીસે પકડ્યા

બેવાર ચોરીના નિષ્ફળ પ્રયાસ છતાં રૂપિયા મેળવવાની ઉત્કટ ઈચ્છામાં બેરોજગાર યુવાનોએ ચોરીનો ત્રીજો પ્રયાસ કર્યો હતો.

TNN 23 Sep 2020, 9:54 am
રાજકોટ: ચાર બેરોજગાર યુવાનો અગાઉ ગોલ્ડ ફાઈનાન્સ કંપની અને એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ધાડ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હતા. શહેરમાં આવો જ અન્ય એક પ્રયાસ તેઓ પાર પાડે તે પહેલા જ સોમવારે મોડી રાત્રે પોલીસના હાથે ઝડપાઈ ગયા.
I am Gujarat rjt burglures
પકડાયેલા આરોપીઓ


80 ફૂટ રિંગ રોડ પર ફિલ્ડ માર્શલ ચોક પાસે અંધારામાં ચાર શખ્સો બેઠા હોવાનું પેટ્રોલિંગ કરતી પોલીસે નોંધ્યું હતું. પોલીસને શંકા હતી કે આ ચારેય શખ્સો દારુ પી રહ્યા હશે. જો કે, પોલીસે તપાસ કરતાં આ શખ્સો પાસે કટર, હથોડા સહિતના અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં ચારેયે કબૂલ્યું કે, તેમણે કોઈ મોટી ફેક્ટરી અથવા બેંકમાંથી મોટી રોકડ કે કિંમતી વસ્તુઓ ચોરવાની યોજના બનાવી હતી.

પોલીસે રવિ ચૌહાણ (27 વર્ષ), અનિલ તાવિયા (21 વર્ષ), વિશાલ ધલવાણિયા (21 વર્ષ) અને રાહુલ તાવિયા (19 વર્ષ)ની ધરપકડ કરી છે. આ શખ્સોના અન્ય બે મિત્રો દીપક સરવરિયા અને સાહિલ લાઠીયા હજી પોલીસ પકડથી દૂર છે. ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (DCB)ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ. એમ. ગઢવીએ રિપોર્ટરોને કહ્યું, "આ લોકો આઠ મહિનાથી બેરોજગાર છે અને આવકનું કોઈ સાધન નથી. માટે તેમણે ચોરી કરવાનું વિચાર્યું હતું. રવિ ચૌહાણ આ પ્લાનનો માસ્ટરમાઈન્ડ હતો અને તેણે ચોરી માટે રેકી કરી હતી."

રવિ ચૌહાણ એક ફૂડ સ્ટોલમાં કામ કરતો હતો. જ્યારે તાવિયા અને ધલવાણિયા બાજુમાં આવેલા ટી-સ્ટોલમાં કામ કરતા હતા. રાજકોટમાં આ શખ્સો લગભગ દોઢ વર્ષથી કામ કરતા હતા અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. રાહુલ તાવિયા ખેતમજૂર તરીકે કામ કરતો હતો. રવિ ચૌહાણ રાજકોટની રહેવાસી છે. જ્યારે બાકીના ત્રણેય વીંછિયા તાલુકાના મોઢુકા ગામના મૂળ વતની છે.

ઈન્સ્પેક્ટર ગઢવીએ કહ્યું, "આ ચારેય પાસે કોઈ કામ ના હોવાથી તેમણે ભેગા મળીને લૂંટની યોજના બનાવી હતી. આ મહિનાની શરૂઆતમાં એક વિન્ડમિલમાંથી વાયરો ચોરવાનો પ્લાન હતો. પરંતુ ચૌહાણે સૂચવ્યું કે, તેમણે મોટો હાથ મારવો જોઈએ, જેથી એક જ વારમાં મોટી રોકડ રકમ અથવા તો કિંમતી વસ્તુઓ મળી જાય." આ શખ્સોએ પહેલા પણ બેવાર ચોરીના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. જેની માહિતી તેમની પૂછપરછ દરમિયાન મળી હતી.

8 સપ્ટેમ્બરના રોજ આ શખ્સોએ સોરઠિયાવાડીમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયા (BOI)ની બ્રાંચમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આ બેંક બ્રાંચની નજીક જ ફૂડ સ્ટોલ આવેલો છે જ્યાં ચૌહાણ કામ કરતો હતો. બેંકની પાછળની બારીની ગ્રિલ તોડીને તેઓ બેંકમાં પ્રવેશ્યા હતા. અંદર જઈને તેમણે સીસીટીવી, DVRS અને સાયરન પણ તોડી નાખી હતી. બાદમાં તેમણે કટરથી સેફ વોલ્ટ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કલાકોની મહેનત છતાં તોડી ના શક્યા. અંતે તેઓએ કામ પડતું મૂક્યું અને સવારે ત્યાંથી નીકળી ગયા હતા.

12 સપ્ટેમ્બરે ફરી એકવાર તેમણે ચોરીનો પ્રયાસ કર્યો. આ વખતે મવડી ચોકડી પાસે ઈન્દ્રપ્રસ્થ બિલ્ડિંગમાં આવેલી ગોલ્ડ ફાઈનાન્સિંગ કંપની મન્નપુરમની બ્રાંચમાં હાથ સાફ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચૌહાણ પહેલા પોતાના મિત્ર સાથે અહીં ગયો હતો એટલે જાણતો હતો કે સોનું ક્યાં મૂકવામાં આવે છે. જો કે, ચોરીનો કોઈ અનુભવ ના હોવાથી તેમણે એ જ મોડસ ઓપરેન્ડી અપનાવી જે BOIમાં અપનાવી હતી. પરિણામે આ ચોરીમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

જો કે, બે નિષ્ફળ પ્રયાસ છતાં રૂપિયા મેળવવાની લાલસાએ ત્રીજીવાર કોશિશ કરવાની પ્રેરણા આપી હતી. સોમવારે રાત્રે તેઓ ફરી ભેગા થયા અને રાજકોટ નાગરિક સહકારી બેંક અથવા કોઈ મોટી ફેક્ટરીમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. ઈન્સ્પેક્ટર ગઢવીએ કહ્યું, ચૌહાણ સિવાય પકડાયેલા એકપણ આરોપીનો ગુનાહિત ઈતિહાસ નથી. ચૌહાણની એકવાર પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો