એપશહેર

મોરબી: પરિવારને આર્થિક મદદ કરવા શિક્ષિકાઓએ સેવ-ગાંઠિયા બનાવીને વેચવાનું શરૂ કર્યું

કોરોના કાળમાં રોજે રોજ વધી રહેલા ખર્ચા વચ્ચે મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે મોરબીની પ્રાઈવેટ સ્કૂલની 10 શિક્ષિકાઓએ જાતે જ ફરસાણ બનાવીને વેચવાનું શરૂ કર્યું છે.

I am Gujarat 7 Aug 2020, 7:03 pm
કોરોના વાયરસની મહામારીના લીધે અનેક પરિવારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. કોઈની નોકરી છૂટી રહી છે તો કોઈને ઓછા પગારમાં ઘર ચલાવવું પડી રહ્યું છે. અમીરથી લઈને ગરીબ સુધી તમામ લોકો પર કોરોનાની કોઈને કોઈ અસર થઈ છે. ઓછા પગારમાં ઘર ચલાવવું મધ્યમ વર્ગ માટે કપરું બની રહ્યું છે. ત્યારે મોરબીની એક પ્રાઈવેટ સ્કૂલની કેટલીક શિક્ષિકાઓએ કોરોનાકાળમાં પગભર થવા અને પરિવારને મદદરૂપ થવા ફરસાણ બનાવીને વેચવાનું શરૂ કર્યું છે.
I am Gujarat in morbi school teachers start selling farsan to help family financially
મોરબી: પરિવારને આર્થિક મદદ કરવા શિક્ષિકાઓએ સેવ-ગાંઠિયા બનાવીને વેચવાનું શરૂ કર્યું


શિક્ષિકાઓએ શરૂ કર્યું ફરસાણ વેચવાનું

મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં ભણાવતી 10 જેટલી શિક્ષિકાઓએ કોરોનાકાળમાં કમાણી માટે તહેવારની સીઝનમાં ફરસાણ બનાવીને વેચાવાનું શરૂ કર્યું છે. તેમના આ કામમાં સ્કૂલ તરફથી પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. જે બાદ હાલમાં તેઓ રોજનું 15-20 કિલો ફરસાણ વેચવામાં સફળ રહ્યા છે.

કોરોના કાળમાં પરિવારને મદદ

Iamgujarat.com સાથે વાત કરતા શિક્ષિકા વનીતા બેને જણાવ્યું કે, લોકડાઉનમાં કારખાના બંધ થઈ ગયા, અમારા પતિને પણ નોકરીમાં પૂરો પગાર નથી મળી રહ્યો. અમને સ્કૂલ તરફથી પૂરો પગાર ચૂકવાય છે, પરંતુ એક પગારમાં ઘરનું પૂરૂં થાય તેમ નથી. ઉપરાંત છોકરાઓના અભ્યાસમાં પુસ્તકોનો ખર્ચો, ઓનલાઈન ક્લાસ માટે ડેટા પેકનું રિચાર્જ, ઘર ખર્ચ અને અન્ય આકસ્મિક ખર્ચાઓ વધી રહ્યા છે. અમારા બે શિક્ષિકા બહેનોમાંથી એકના પતિની નોકરી છૂટી ગઈ, જ્યારે અન્યના પતિ કેન્સર સામે લડી રહ્યા છે. એવામાં અમે બધાએ વિચાર્યું કે આપણને પૈસાની જરૂર છે અને ફરસાણનું કામ આવડે છે તો આ કામ કરીએ. ઘર માટે બનાવાતા આ ફરસાણનું તહેવારમાં વેચાણ પણ થઈ જાય.'

સ્કૂલ તરફથી મળ્યો ખાસ સપોર્ટ

વનીતા બહેન આગળ કહે છે, આ કામ માટે અમે સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સાથે પણ વાત કરી. અમારી વાત સાંભળીને સ્કૂલના ટ્રસ્ટીએ સામેથી કહ્યું કે અત્યારે સ્કૂલ ખાલી જ છે અને તેમણે સ્કૂલનું રસોડું અને 3 ક્લાકરૂમ વાપરવા માટે આપ્યા. આ બાદ સ્કૂલના વાસણો ગેસના બાટલા પણ સામેથી જ વાપરવા માટે અમને આપ્યા. સ્કૂલે અમને આટલી બધી મદદ કરી એટલે અમે નામ પણ તેના પરથી જ રાખ્યું.

રોજ 15-20 કિલો ફરસાણ વેચાય છે

વનીતા બહેને કહ્યું- ફરસાણ બનાવવા માટે કાચો માલ ગમે ત્યાં લેવા જાવ પૈસા આપવા પડે. આથી અમે ટ્રસ્ટી સમક્ષ થોડી લોનની માગણી મૂકી. જોકે તેમણે અમને સામેથી અમુક પૈસા આપ્યા અને ખરીદી કરીને રક્ષાબંધનના મૂહુર્તમાં જ ફરસાણનું કામ શરૂ કરવા કહ્યું અને આ પૈસા પાછા આપવાની પણ ઉતાવળ ન કરતા તમને જ્યારે લાગે કે હવે પૈસાનું સુખ થયું છે ત્યારે પાછા આપજો. વનીતા બહેન કહે છે, સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે અમને આ કામમાં ખૂબ જ સપોર્ટ આપ્યો છે. અને આગળ પણ કોઈપણ મુશ્કેલી આવે તો મદદ કરવાની તૈયારી દર્શાવી છે. હાલમાં અમારે રોજનું 15-20 કિલો ફરસાણનું વેચાણ થઈ રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો